________________
આચાર્ય કલ્યાણસાગરસૂરિજી
૧૭૧
કઢાવ્યો, ત્યારે એમની સૂચનાથી ઉપાધ્યાય ભાનુચંદ્રે બાદશાહ પાસે મુંડકાવે૨ો ૨૬ કરાવ્યો.
આ રીતે જીવનભર અંગત કામનાથી સાવ અલિપ્ત રહીને અને જીવદયા અને શાસનસેવાનાં કાર્યોમાં પોતાનું સમગ્ર સાધુજીવન કૃતાર્થ કરીને આ મહાન જ્યોતિર્ધર વિ. સં. ૧૯૫૨માં સૌરાષ્ટ્રના ઊના ગામમાં સ્વર્ગવાસી થયા. એમની ધર્મભાવનાની સુવાસ દેહવ્યાપી મટીને જાણે વિશ્વવ્યાપી બની ગઈ !
અહિંસા અને જીવદયાના ઉત્કટ સાધક અને પ્રચારક આ સૂરિજીનું જીવન જૈનસંઘને ત્રણે કાળમાં માર્ગદર્શક બની રહે એવું તેજસ્વી છે. એમની વિદ્વત્તા વાદવિવાદથી નહીં પણ સહૃદયતાથી સભર હતી, જે સામાના અંતરને વશ કરી લેતી હતી. એમની સાધુતા સરળતા અને કરુણાથી શોભતી હતી, અને એમના હૃદયની વિશાળતા, ઉદારતા અને નિર્મળતા સૌને પોતાનાં બનાવી લેતી હતી. એમના દરિયાવ દિલમાં જેમ ધર્માનુરાગીઓ માટે મમતાભર્યું સ્થાન હતું, તે જ રીતે ધર્મથી વિમુખ રહેલાઓ માટે પણ એવું જ સ્થાન હતું
(તા. ૨૪-૯-૧૯૬૬)
(૧૪) મહાન સંઘનાયક આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજી
તીર્થંકર તો સર્વત્ર સુખ-શાંતિની શીળી છાંયડી વિસ્તારતા ઘેઘૂર વડલા જેવું ધર્મશાસન પ્રવર્તાવીને ચાલ્યા જાય છે. એટલે એ ધર્મશાસનની રક્ષા, વૃદ્ધિ અને વિશ્વકલ્યાણ માટે તેની પ્રભાવના કરતા રહેવાની જવાબદારી સ્વાભાવિક રીતે જ પ્રભુએ સ્થાપેલ જંગમતીર્થરૂપ ચતુર્વિધ સંઘ ઉપર આવી પડે છે. આ ચતુર્વિધ સંઘમાં શ્રમણસંઘનું સ્થાન ઉચ્ચ છે અને એમાં પણ આચાર્ય-મહારાજોનું સ્થાન સર્વોચ્ચ છે. તેથી જ જૈન સંઘવ્યવસ્થામાં આચાર્યને શાસનના રાજાની ઉપમા આપવામાં આવી છે. જૈન ધર્મ, સંઘ અને શાસન અત્યાર સુધી ટકીને પોતાનો પ્રભાવ વિસ્તારી શક્યાં છે તે સૈકે–સૈકે થતા રહેલા શાસન-પ્રભાવક મહાન આચાર્યો તથા અન્ય શ્રમણશ્રેષ્ઠોની પરંપરાના પ્રતાપે જ.
આચાર્યપ્રવર શ્રી કલ્યાણસાગરસૂરિજી તેજસ્વી નક્ષત્ર સમા આવા જ એક સમર્થ સંઘનાયક હતા. દર્શન, જ્ઞાન, ચારિત્રની અખંડ, નિર્મળ આરાધના અને ઉદાર હૃદયની વ્યાપક ધર્મપ્રભાવના દ્વારા જેમ એમનું જીવન યશોજ્જ્વળ બન્યું હતું, તેમ જૈનશાસન પણ ગૌરવશાળી બન્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org