________________
૧૭૮
અમૃત-સમીપે
સમર્પિત થયું હતું. તેઓના વચનમાં જાણે કોઈ એવું વશીકરણ રહેતું કે માત્ર પોતાની ઇચ્છાનું ઉચ્ચારણ જ બીજાઓને માટે આશા જેમ સ્વીકાર્ય બની જતું. શાસનનો મહિમા વિસ્તારવાની ધગશ અને પોતાની આવી પ્રભાવકતાને બળે તેઓએ જે સંખ્યાબંધ ધર્મકાર્યો કરાવ્યાં હતાં, એની ગણતરી કરવાનું કામ સહેલું નથી. આવાં ધર્મકાર્યોના કેન્દ્રમાં જિનમંદિર, જિનપ્રતિમા, તીર્થસ્થાન અને સંઘયાત્રા એ ચાર પ્રવૃત્તિઓ મુખ્ય હોય એમ લાગે છે.
તેઓની પ્રેરણાથી જેમ અનેક પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધારો થયા હતા, તેમ નવીન નાનાં તેમ જ આલીશાન જિનમંદિરોની સ્થાપના-પ્રતિષ્ઠાઓ પણ થઈ હતી. તેઓએ નાની-મોટી હજારો નવી જિનપ્રતિમાઓ ભરાવી હતી; એમાંની કેટલીક તો મૂર્તિકળાના અને સુંદરતાના ઉત્તમ નમૂનારૂપ છે. કદંબગિરિ તીર્થમાં રહેલો આ જિનપ્રતિમાઓનો ભંડાર આ વાતની સાક્ષીરૂપ બની ૨હે એવો છે.
વળી, તીર્થોદ્ધાર માટેની એમની તમન્ના પણ દાખલારૂપ બની રહે એવી ઉત્કટ હતી. તેઓના સદુપદેશથી અનેક તીર્થોનો ઉદ્ધાર થયો હતો; કદંબગિરિ જેવા પ્રાચીન તીર્થનો તો નવો અવતાર જ થયો છે. કદંબગિરિ તો તેઓને પ્રાણ જેવું પ્રિય હતું. આ તીર્થમાં જે કંઈ જાહોજલાલી અને વ્યવસ્થા અત્યારે જોવા મળે છે, તે તેઓશ્રીની તીર્થભક્તિ અને અવિરત મહેનતને જ આભારી છે.
તેઓશ્રીના સદુપદેશથી નાના-મોટા અનેક યાત્રાસંઘો પણ નીકળ્યા હતા; એમાંના કેટલાક તો આપણે અચરજ પામી જઈએ એટલા મોટા હતા. આ ઉપરાંત તેઓએ જ્ઞાનશાળા, પાઠશાળાઓ, કન્યાશાળાઓ વગેરેની સ્થાપના માટે પણ ધ્યાન આપ્યું હતું.
તેમની શાસનપ્રભાવના માટેની સેવાઓ ઉપર સોનેરી શિખર તો ચડાવ્યું વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમ્મેલનને વેરવિખેર બનતું અટકાવીને એને સફળ બનાવવાની તેઓની વિશિષ્ટ અને વિરલ કામગીરીએ. આ સમ્મેલનને અનેક મુસીબતો અને ઉપાધિઓમાંથી સહીસલામત આગળ લઈ જઈને સફળ બનાવવાનું કામ અતિ દુષ્કર હતું. પણ પોતાની કાર્યસૂઝ અને કુનેહને બળે તેઓએ, બીજા આચાર્યો તથા મુનિવરોનો સાથ મેળવીને, એ કાર્યને સફળ બનાવ્યું હતું. તેઓ સ્વયંભૂ પ્રભાવ અને પ્રતાપ દ્વારા સમ્મેલનના વણનીમ્યા અધ્યક્ષ બની ગયા હતા!
વળી, ગુજરાત-સૌરાષ્ટ્ર કે દેશનો કોઈ પ્રદેશ અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આફતમાં સપડાઈ જતો, ત્યારે તેઓ પોતાના સંઘને એની સહાય માટે ઉદારતાથી સખાવત કરવાની પ્રેરણા આપીને પોતાની અહિંસા, કરુણા અને જીવરક્ષાની ભાવનાને ચરિતાર્થ કરવાનું ચૂકતા નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org