________________
૧૩૪.
અમૃત સમીપે (૫) સાધુતાની મૂર્તિ આચાર્યશ્રી આત્મારામજી
સ્થાનકવાસી જૈન સંપ્રદાયના મહાન આચાર્યશ્રી આત્મારામજી ગત ૩૦મી જાન્યુઆરીની મધરાત પછી લુધિયાનામાં સંથારો સ્વીકારીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે; તેથી જૈનસંઘને એક સાધુતાની મૂર્તિનો વિયોગ થયો છે.
- શ્રી આત્મારામજી મહારાજ વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પણ હતા. આ ત્રિવિધ પક્વતાને લીધે એમનું જીવન જાજ્વલ્યમાન, પવિત્ર, આદર્શ, પ્રેરક અને કૃતાર્થ બન્યું હતું. કાળધર્મ વખતે એમની ઉમર ૮૧ વર્ષની હતી, અને એમનો દીક્ષાપર્યાય ૭૦ વર્ષ જેટલો લાંબો હતો. શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રોનું અધ્યાપન અને ધર્મગ્રંથોનું સર્જન એ એમની આજીવન પ્રિય પ્રવૃત્તિ હતી.
એમનું મૂળ વતન પંજાબમાં જલંધર જિલ્લાનું રહોંગામ. એમના પિતાશ્રીનું નામ લાલા મન્સારામજી. એ વખતે ગામમાં એક મોટા વેપારી તરીકે એમની નામના હતી. એમના કુળનું નામ ચોપડા, માતાનું નામ પરમેશ્વરીદેવી. જન્મ વિ. સં. ૧૯૩૯ના ભાદરવા સુદિ બારસે. એમનું નામ આત્મારામ. આઠ વર્ષની સાવ ઊછરતી ઉંમરે માતા-પિતાની છાયા ઝૂટવાઈ ગઈ, અને દસ વર્ષની ઉંમરે દાદીમાની હૂંફ પણ હરાઈ જતાં આત્મારામ એકલાઅટૂલા જેવા બની ગયા; સંસારની કોઈ મીઠાશમાં રસ જાગે એ પહેલાં જ એમના મનને સંસારની કરુણતા, અનાથતા અને નિઃસારતાનો પરિચય મળી ગયો. એમાં આત્મારામને લુધિયાનામાં મુનિશ્રી શાલિગ્રામજીનો સંપર્ક લાધી ગયો; અનાથને જાણે નાથ મળી ગયો – મુનિજીની ત્યાગ, વૈરાગ્ય અને સંયમની વાત આત્મારામને ભાવી ગઈ, અને વિ.સં. ૧૯૫૧માં ૧૧-૧૨ વર્ષની પાંગરતી વયે બનૂઢ ગામમાં એમણે દીક્ષા અંગીકારી અને સ્થાનકવાસી સંપ્રદાયના તે સમયના આગમના અભ્યાસી મુનિશ્રી માતીરામજી (? ઘારીરામજી ?) પાસે તેઓ આગમના ઊંડા અભ્યાસમાં લાગી ગયા.
બુદ્ધિ તો પહેલેથી જ કુશાગ્ર હતી. એમાં આવા જ્ઞાની ગુરુ મળ્યા, એટલે આત્મારામજી તો જ્ઞાન અને ચારિત્રની અખંડ સાધનામાં નિમગ્ન થઈ ગયા. અભ્યાસકાળમાં મુનિશ્રીએ આગમના અભ્યાસ ઉપરાંત વ્યાકરણ અને દર્શનશાસ્ત્રનો પણ અભ્યાસ કરી લીધો; અને એ રીતે એમણે પોતાના જ્ઞાનને વિવિધવિષયસ્પર્શી અને વ્યાપક બનાવવાનો પુરુષાર્થ કર્યો.
આમાં જાણે સંપ્રદાયના ઉજ્વળ ભાવિના કારણે જ, શ્રીસંઘનું ધ્યાન આ તેજસ્વી મુનિવર તરફ વધુ ને વધુ દોરાવા લાગ્યું. ૧૮-૧૯ વર્ષની જ્ઞાનચારિત્રની નિર્મળ સાધના પછી ૩૦ વર્ષની વયે એમને અમૃતસરમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું; અને તેઓ એક આદર્શ શાસ્ત્રાધ્યાપક બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org