________________
૧૭૮
અમૃત સમીપે આ માટેની વિપુલ સામગ્રી એકત્ર કરવા માટે, એ બધી સામગ્રીનું દહન કરીને એનો સાર તારવવા માટે અને એ બધાને સુસંકલિતરૂપે ગોઠવીને નવીન શાસ્ત્રગ્રંથો તૈયાર કરવા માટે જે જહેમત ઉઠાવવામાં આવી છે તે એક પ્રેરક કથા બની રહે એવી છે.
શિષ્ય-પ્રશિષ્ય એવા અઢીસો સાધુઓનો વિશાળ સમુદાય આ આચાર્યપ્રવરને સાચા અર્થમાં “ગણધર' કે “ગચ્છાધિપતિ' કહેવા પ્રેરે છે. શિષ્યપ્રશિષ્યોનો અને આજ્ઞાપાલક સાધુ-સાધ્વીઓનો આવો વિશાળ પરિવાર અત્યારે તો બીજા કોઈનો હોય એમ દેખાતું નથી.
આ સમુદાયની અને ખાસ કરીને સમભાવી અંતર્મુખ દૃષ્ટિ ધરાવતા આચાર્યવર્યની એક વિશેષતા અહીં સહર્ષ, સગૌરવ નોંધવી ઘટે છે : આટલો વિશાળ પરિવાર હોવા છતાં એમાં પદવીધરોની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી જ ! આ રીતે પદવીઓનું ગૌરવ અને મહત્ત્વ ટકાવી રાખવા માટે અને સાથે-સાથે સાધુજીવનને પદવીના મોહથી મુક્ત રાખવા માટે આ આચાર્ય-મહારાજે સહજપણે કે સમજપૂર્વક જે જાગૃતિ, શાણપણ અને દૂરંદેશી દાખવેલ છે, તે, અત્યારના પદવીઓ અને પદવીધરોની ભીડના સમયમાં, દાખલારૂપ બની રહે એવાં છે; અને તેથી એની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
સંયમ, ત્યાગ, વૈરાગ્યના શુષ્ક જણાતા માર્ગનું સુદીર્ઘ સમય સુધી અનુસરણ કરવા છતાં અંતરમાંથી મમતા અને વાત્સલ્યનો ઝરો સુકાઈ ન ગયો એ આ આચાર્યપ્રવરની વિરલ વિશેષતા. એમના શિષ્ય-પ્રશિષ્યો, અંતેવાસીઓ અને એમના સંપર્કમાં આવતા સહુકોઈને માટે તેઓ સમતાના સરોવર અને મમતાની મીઠી વીરડી સમાં હતા. તેઓના સ્વર્ગવાસથી એમના શિષ્ય-પ્રશિષ્યોમાં જે એક પ્રકારનો સૂનકાર વ્યાપી ગયો છે, જાણે પોતાનું સર્વસ્વ હરાઈ ગયું હોય એવી જે વેદનાની લાગણી પ્રવર્તતી જોવા મળે છે અને હવે અમે શું કરીશું' એવી જે અસહાયતા જોવા મળે છે, એ સ્વર્ગસ્થ આચાર્યશ્રીના કરુણા-મમતાસભર અંતરની પ્રશસ્તિ બની રહે એવાં છે. પોતાના આવા વિશાળ પરિવારના જુદી-જુદી ઉમર, રુચિ અને શક્તિ ધરાવતા મુનિવરોને પોતાની સાથે ધર્મવાત્સલ્યના આવા તાંતણે બાંધી રાખવા એ નાનીસૂની સિદ્ધિ નથી.
શરીર સ્વસ્થ હોય કે અસ્વસ્થ, જ્ઞાન-ક્રિયાની આરાધનામાં વિક્ષેપ ન આવવો જોઈએ. માંદગી દરમ્યાન પણ, સંથારામાં સૂતાં-સૂતાં શાસ્ત્રોનું પરિશીલન કરતા અને પોતાના સાધુઓની રચનાઓનું ઝીણવટપૂર્વક સંશોધન-અવલોકન કરતા આચાર્યશ્રીનાં દર્શન કરવાં એ જીવનનો એક લ્હાવો હતો. પોતાની સ્થિતિ ગમે તેવી હોય, પણ પોતાના શિષ્ય-પ્રશિષ્યોની પૂરેપૂરી સાર-સંભાળ લેવાવી જ જોઈએ અને એમને સંયમમાં સ્થિર કરવા જરૂરી સલાહ-સૂચના અપાવી જ જોઈએ : આ માટેનો તેમનો આગ્રહ આદર્શ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org