________________
આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી
૧૪૯
પળવારમાં બાળક ભગવાનના ઘરનું મહેમાન બની જાય ! બધાંના જીવ તાળવે ચોંટી ગયા. બાળકને બચાવવા સૌ ઇષ્ટદેવને સંભારી રહ્યાં. માતાએ બહુચરમાની માનતા માની. બાળક કાળના ઝપાટામાંથી ઊગરી ગયું; બાળકનું નામ પાડ્યું ‘બહેચર'.
બહેચરનો જીવ અનોખો હતો. કાયા તો એની કણબી(ખેડૂત)ના દીકરા જેવી ખડતલ અને પડછંદ મહેનત ક૨તાં ક્યારેય થાકે નહીં એવી. સહુનાં કામમાં એનું કામ પણ સવાયું દીપી નીકળે એવું. પણ એનું મન કોઈ અજબ સંસ્કારના એરણ ઉપર ઘડાયું હતું. એના મનમાં કંઈ-કંઈ કલ્પનાઓ ઊઠતી – જ્ઞાન હાંસલ કરી આત્માને ઉજાળવાનો ઉદ્યમ કરીને માનવદેહને દીપાવી જાણવાની. એનું અંતર આ ભાવનાને સફળ કરવા માર્ગો શોધ્યા જ કરતું હતું.
ઉંમર તો હજી ઊગતી જ હતી; પણ સારું-સારું ભણવું, વાંચવું-વિચારવું અને સંતોની સંગતિ અને સેવા કરવી એ એનું રોજનું વ્યસન બની ગયું હતું. જૈન મુનિ રવિસાગરજી મહારાજના સંપર્કે એની આ ભાવનાને વિકસાવવામાં ખાતર, હવા અને પાણીનું કામ કર્યું.
વિદ્યાની ઉપાસનાની ઝંખના પૂરી થઈ શકે એટલું નિશાળનું ભણતર તો કણબીનો આ દીકરો ન પામી શક્યો, પણ એ ઝંખના કંઈક ને કંઈક પણ માર્ગ શોધતી જ રહેતી હતી. અને દિલની સચ્ચાઈથી શોધ અને પ્રયત્ન કરનારને માર્ગ પણ મળી જ રહે છે. એમાં વળી બહેચરનું ચિત્ત જન્મથી જ સરળતાના દિવ્ય રસાયણથી ૨સેલું હતું, એટલે વિદ્યા મેળવવા એને કોઈની પણ પાસે જતાં લેશ પણ સંકોચ થતો ન હતો. એને જૈન મુનિવરો અને જૈન સગૃહસ્થોના સંગનો લાભ મળ્યો; એ મનભાવન સંગ એના જીવનનું ઘડતર કરનારો બની ગયો. જ્ઞાનસાધના અને જીવનસાધના એ બંનેના માર્ગો જાણે એની સામે ખૂલી ગયા. કણબીનો આ બડભાગી દીકરો, “ભણ્યો કણબી કુટુંબ બોળે” એ કહેવતને ખોટી પાડીને, પોતાના જીવનમાં અને જનસમાજમાં જ્ઞાન-ચારિત્રની ઉત્તમ તમન્નાનું વાવેતર કરીને જીવનઘડતરનો અદ્ભુત પાક લણનાર દિવ્ય ખેડૂત બની ગયો. જૈનસંઘ અને જનસમુદાય એ ખેડૂતનો કેટલો ઓશિંગણ બન્યો છે !
જ્ઞાનવૃદ્ધિ અને આત્માની ઉન્નતિના આશક આત્માને ખેતીવાડીના વ્યવસાય અને ઘ૨સંસારના વ્યવહારની ચોકાબંધીમાં બંધાઈ રહેવું કેવી રીતે મંજૂર હોય ? એમાં તો એને નરી રૂંધામણ અનુભવાય ! પણ બહેચરે આપબળે અને સંતસમાગમના બળે મનોરથ સફળ કરવાનો માર્ગ શોધી કાઢ્યો.
વ્યાવહારિક શિક્ષણમાં વધારે આગળ વધવાને બદલે બહેચરે તો ધર્મના શિક્ષણમાં – અને તે પણ જૈનધર્મના શિક્ષણમાં આગળ વધવાનો પુરુષાર્થ કર્યો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org