________________
આચાર્ય વિજયેન્દ્રસૂરિજી
૧૩૩
એલચીની ગરજ સારવાનું મહત્ત્વનું કામ કરતા હતા. એમણે દિલ્હી છોડ્યું ત્યારથી એ સ્થાન અને કામ ખાલી જ પડ્યું છે. આ દિશામાં દિલ્હીમાં અત્યારે જે કામ થતું દેખાય છે, તેમાં મોટે ભાગે સાંપ્રદાયિક સંકુચિતતા જ ભરેલી દેખાય છે; ઇતિહાસના અભ્યાસીની તટસ્થ અને નિર્મળ દૃષ્ટિ નહિ. આચાર્યશ્રીની ભારતના પાટનગરમાંની આ સેવાઓ માટે, તેમ જ બહારના દેશોના વિદ્વાનોને જૈન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષવા માટે આપણે એમના ઓશિંગણ રહીશું. સ્વ.આચાર્યશ્રીના ગુરુવર્ય દીર્ઘદર્શી આચાર્ય સ્વ. વિજયધર્મસૂરિજીએ સમયને ઓળખીને પરદેશના વિદ્વાનોને જૈન સાહિત્ય, સંસ્કૃતિ અને ધર્મ-દર્શન તરફ આકર્ષવા માટે ભગીરથ કામ કર્યું હતું. એમની આ વિષયની કામગીરી નાના-સરખા રાજ્યના સંચાલન જેવી વિશાળ અને સતતપ્રવાહી હતી. શ્રી વિજયેન્દ્રસૂરિજીએ એને જારી રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો..
આમ તો આપણે ત્યાં કોઈ-કોઈ સંસ્થા અને કોઈ-કોઈ વ્યક્તિ દ્વારા, જૈન ધર્મ અને સાહિત્ય પ્રત્યેની અભ્યાસદૃષ્ટિ કે જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા માટે, પરદેશના વિદ્વાનો સાથેનો સંપર્ક ચાલુ રખાયો છે. તેમ છતાં એ કામ એક વિશિષ્ટ વિભાગરૂપે વ્યાપક દૃષ્ટિએ અને સુવ્યવસ્થિત રીતે થાય એવી વ્યવસ્થા થવાની ખાસ જરૂર છે. આ પ્રસંગે અમે જૈનસંઘનું આવી અગત્યની બાબત તરફ ખાસ ધ્યાન દોરીએ છીએ.
આચાર્યશ્રીની પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ અનન્ય અને આદર્શ હતી. સ્વ. વિજયધર્મસૂરિજી પ્રત્યે એમની સાથેનો સમસ્ત શિષ્ય-સમુદાય આવી જ ભક્તિ ધરાવતો હતો એ બીના આ. મ. વિજયધર્મસૂરિજીની કાર્યશક્તિ, કુનેહ અને શિષ્યવત્સલતાની સાક્ષીરૂપ બની રહે એવી છે.
ગુરુભક્તિની આવી ઉત્કટ અને અદમ્ય લાગણીથી પ્રેરાઈને જ શ્રી વિજયેન્દ્રસૂરિજીની ઇચ્છા પોતાનું અંતિમ જીવન પોતાના ગુરુદેવના સમાધિમંદિરની પવિત્ર છાયામાં, શિવપુરીમાં વિતાવવાની હતી. તેથી તેઓ વિ. સં. ૨૦૨૧ના ચાતુર્માસ પહેલાં શિવપુરી પહોંચ્યા, અને ત્યાં શેષ જીવન સાહિત્યસેવા અને ગુરુભક્તિમાં વિતાવતાં જ સ્વર્ગના પંથે સિધાવી ગયા !
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૨૧-૫-૧૯૬૬)
www.jainelibrary.org