________________
૧૧૮
અમૃત-સમીપે સૌ કોઈને સાચી અને શાણી સલાહ આપવી એ મંત્ર તો જાણે એમના જીવનમાં સહજપણે વણાઈ ગયો હતો. સદા પ્રસન્ન, સદા હસમુખા અને સદા આશાભર્યા આ સાક્ષર પોતાની વૃદ્ધ વયે પણ જે મસ્તીમાં જીવતા હતા તે કોઈને પણ પ્રેરણા આપે અને માન ઉપજાવે એવું હતું.
શ્રી કૃષ્ણલાલકાકાની ચીવટ તો એમની પોતાની જ; કોઈ પણ પત્રનો ઠાવકાઈપૂર્વક જવાબ આપવાનું એ કદી ન ચૂકે. એમાં જે સારું લાગ્યું હોય તેને મુક્ત મને સારું કહે, અને કંઈ શિખામણ કે ઠપકો આપવો હોય તો તે પણ મીઠાશપૂર્વક આપવાનું ન ચૂકે. ઊગતા લેખકોનો ઉત્સાહ વધારવો, એમની પીઠ થાબડવી અને સાથે-સાથે એમને હેતપૂર્વક સાચો માર્ગ દર્શાવવો એ કામમાં શ્રીકૃષ્ણ-લાલભાઈ ભારે કાબેલ હતા.
(તા. ૨૨-૬-૧૯૫૭)
(૧) માનવતાવાદી વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ
ગર્ભશ્રીમંતાઈમાં ઉછેર અને કુટુંબનો વારસો ઉદ્યોગોના સફળ સંચાલનની કાબેલિયતનો, અને છતાં સ્વનામધન્ય સ્વર્ગસ્થ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અણુવિજ્ઞાનના અવનવા અને અઘરા ક્ષેત્રે જે વિદ્યાસિદ્ધિ મેળવી હતી અને નિપુણ અણુવૈજ્ઞાનિક તરીકે દેશ-વિદેશમાં જે નામના પ્રાપ્ત કરી હતી, તે નવાઈ પમાડે એવી અને એમની વિદ્યાનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા અને કાર્યશક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. મૂક અને એકાંત વિદ્યાસાધનાના બળે એમનામાં વિદ્વત્તાનું જે હીર, તેજ અને ખમીર પ્રગટ્યું હતું તે દાખલારૂપ બની રહે એવું અને એમની સ્મૃતિને ચિરંજીવ બનાવે એવું હતું.
દેશભક્તિનો કોઈ પણ જાતનો દેખાવ કર્યા વગર તેઓએ પોતાની સમગ્ર વિદ્યાસિદ્ધિ માતૃભૂમિને ચરણે ધરી દીધી હતી, અને એનો ઉપયોગ સંપત્તિ કે પ્રતિષ્ઠા મેળવવા માટે કરવાની સ્વાર્થપરાયણવૃત્તિથી સાવ અળગા રહ્યા હતા એ તેઓની વિરલ વિશેષતા હતી. અને એમાં તેઓએ માનવતાવાદી દૃષ્ટિબિંદુની જે સુવાસ પ્રસરાવી હતી તે તો અતિ-વિરલ હતી. તેઓની પોતાના કાર્યક્ષેત્રને જ પૂર્ણપણે સમર્પિત થવાની અલગારી વૃત્તિ અને પ્રશાંત દેશભક્તિ સાચેસાચ હંમેશને માટે અભિનંદનીય અને અનુકરણીય બની રહેશે, એમાં શક નથી.
આવા એક ધ્યેયનિષ્ઠ, ભાવનાશીલ, માનવતાવાદી અને રાષ્ટ્રીયતાના ઉપાસક મહાન વૈજ્ઞાનિકનું બાવન વર્ષ જેટલી નાની ઉંમરે સ્વર્ગગમન, એ દેશને માટે હોનારત જેવી મોટી ખોટ બની રહેશે.
(તા. ૮-૧-૧૯૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org