________________
૭૦
અમૃત-સમીપે
શ્રી સુશીલભાઈનું એકલવાયું, એકાંતપ્રિય અને વાચનપરાયણ જીવન જોઈને રખે કોઈ માની લે કે તેઓ સદા ગંભીર, ઉદાસીન અને શુષ્ક વૈરાગી હશે ! એમના જેવા સદા આનંદ-સરોવ૨માં નિમજ્જન કરનાર આત્માઓ બહુ ઓછા હશે. તેઓ જ્યાં જાય, જ્યાં બેસે, જ્યાં વસે ત્યાં હંમેશાં આનંદ અને હર્ષની છોળો ઊડતી જ હોય ! કંઈ કેટલા કિસ્સા, કંઈ કેટલા ટુચકા અને કંઈ કેટલી કહાણીઓ એમના સદા પ્રસન્ન મુખમાંથી પુષ્પની જેમ બહાર પડતાં જ હોય અને આસપાસના સહુને કિલકિલાટ કરાવતાં જ હોય. એમનું બહુશ્રુતપણું તો એમના સામાન્ય સહવાસમાં પણ છતું થયા વગર ન રહે.
જીવનમાં કોઈ એબ નહીં; સ્ફટિક જેવું નિર્મળ જીવન. અને મનમાં કોઈ અશાંતિ નહીં. છતાં, છેલ્લાં બારેક વર્ષથી તેઓ જ્ઞાનતંતુઓની નબળાઈની બીમારીમાં સપડાયા; એ બીમારી ઉત્તરોત્તર વધતી જ ગઈ અને એમની શરીરશક્તિ અને ચિત્તશક્તિને ઓછી ને ઓછી બનાવતી જ ગઈ એને કેવળ વિચિત્ર અને દુઃખદ ભવિતવ્યતા જ લેખી શકાય. પણ આવી ઉત્તરોત્તર વધતી જતી બીમારીમાં પણ શ્રી ભીમજીભાઈ પોતાની મસ્તી, પોતાની વિનોદી વૃત્તિ અને પોતાની સ્વસ્થતાને ઠીક-ઠીક પ્રમાણમાં જાળવી શક્યા હતા.
(તા. ૨૦-૫-૧૯૬૧)
(૧૭) જ્ઞાનનિષ્ઠ સમાજસેવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા
સ્વનામધન્ય શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાનો જન્મ, ભાવનગરમાં તા. ૩-૧૨-૧૮૭૯ના રોજ થયો હતો. તેમના જાહેર જીવન અને આંતરિક જીવનનું ટૂંકમાં મહત્ત્વ સમજાવવું હોય તો એમ કહેવું જોઈએ, કે તેઓનું જાહેર જીવન અનાસક્ત કર્મયોગની સાધનાથી ઉજ્જ્વળ બન્યું હતું, અને મર્મસ્પર્શી જ્ઞાનયોગની ઉપાસનાથી તેઓએ પોતાના આંતર જીવનને ઉન્નત બનાવ્યું હતું. અને તેઓની કર્મયોગ અને જ્ઞાનયોગની ઉપાસનાના બે કિનારા વચ્ચે, ધર્મ-સંસ્કારિતાની ભાગીરથી વહ્યા કરતી હતી.
એક જાગૃત અને સતત કર્તવ્યશીલ વ્યક્તિ વિવિધ ક્ષેત્રોમાં કેટલું બધું પ્રદાન અને કામ કરીને પોતાનાં સમય અને શક્તિને કેવાં ચરિતાર્થ કરી શકે છે એનું એક ઉત્તમ ઉદાહરણ શ્રી મોતીચંદભાઈના જીવનમાં જોવા મળે છે. આત્માની અનંત શક્તિનો બોલતો પુરાવો બની રહે એવી વ્યાપક એમની કારકિર્દી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org