________________
૧૧૦
અમૃત-સમીપે પોતે બૌદ્ધ ધર્મ સ્વીકારેલ હોવા છતાં એમનું મન કંઈ માત્ર બૌદ્ધ ધર્મ કે સાહિત્યની ઉપાસનાથી જ સંતુષ્ટ રહે એવું સાંકડું ન હતું. હકીકતે તો તેઓ વિશ્વમાનવ હતા અને વિશ્વની સંસ્કૃતિના ચાહક અને અભ્યાસી હતા. વિશ્વના ઇતિહાસની ઝલકને ઝીલવી અને પ્રગટ કરવી એ એમનું જીવનકાર્ય હતું. તેથી તેઓ એક બાજુ વિશ્વના મહાપરિવ્રાજક બન્યા, તો બીજી બાજુ મહાપંડિત બન્યા. એ રીતે સૌના માન-સન્માનના અધિકારી બની ગયા.
વિશ્વસંસ્કૃતિ અને માનવતાનો આવો ઉત્કટ ઉપાસક રાજકારણથી સર્વથા અલિપ્ત રહે એ તો બને જ કેમ ? અસહકારના આંદોલનના પ્રારંભમાં અને તે પછી પણ એમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો હતો. એમની રાજદ્વારી વિચારસરણી સામ્યવાદતરફી હતી – એમને જાણે એમ જ વસી ગયું હોવું જોઈએ કે ઘણા લોકોનું કલ્યાણ સાધવાનો (વહુનનહિતાયનો) ભગવાન બુદ્ધનો ઉપદેશ એ માર્ગે જ ચરિતાર્થ થવાનો છે ! પણ આમ છતાં રાજકારણ એ એમનું જીવનકાર્ય બની શક્યું નહીં; જ્ઞાન અને સંસ્કૃતિની ઉપાસના એ જ છેવટ સુધી એમનું જીવનકાર્ય રહ્યું હતું.
સંસ્કૃત, પ્રાકૃત-અપભ્રંશ અને હિન્દી એ ત્રણે ય ભાષાઓનો ક્રમિક વિકાસ દર્શાવતા જે ગ્રંથો એમણે તૈયાર કર્યા હતા અને એ ત્રણે ય ભાષાઓના વિપુલ સાહિત્યમાંથી સૈકાવાર કૃતિઓની પસંદગી કરવામાં જે જહેમત ઉઠાવી હતી, તે એમના બહુશ્રુતપણાની સાખ પૂરે એવી છે. એમણે જૈન આગમગ્રંથ સૂત્રકૃતાંગનો હિંદીમાં અનુવાદ કર્યો હતો. તિબેટન-હિંદી શબ્દકોષ તો એમનું અમર સ્મારક બની રહે એવો છે.
એમની વિશ્વસંસ્કૃતિને સ્પર્શતી વ્યાપક વિદ્વત્તાએ વિદેશમાં પણ એમને ખૂબ માન અપાવ્યું હતું. રશિયાની લેનિનગ્રાડ યુનિવર્સિટીમાં એમણે ભારતીય વિદ્યા(ઇડોલોજી)ના પ્રાધ્યાપક તરીકે અને લંકાની વિદ્યાલંકાર યુનિવર્સિટીમાં પણ ભારતીય વિદ્યા(ઇન્ડિયન સ્ટડીઝ)ના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. વળી હિંદી સાહિત્યની બહુમુખ સેવાએ એમને હિન્દી સાહિત્ય સંમેલનના પ્રમુખ બનવાનું ગૌરવ અપાવ્યું હતું. ઉપરાંત સ્વતંત્ર ભારતના બંધારણનું અધિકૃત હિંદી ભાષાંતર કરનાર કમિટીના પણ તેઓ એક સભ્ય હતા. અનેક વિષયોનું અનેક ભાષાઓમાં જોડાણ કરનાર એમના જેવો બીજો વિદ્વાન ભાગ્યે જ મળે ! પણ એમની એક મર્યાદા પણ હતી : વીજળીક ઝડપથી વિવિધ વિષયનું વિપુલ સાહિત્ય સર્જવા જતાં તેઓ કેટલીક વાર ઇતિહાસ અને સંશોધનના કાર્યમાં જરૂરી એવી ચીવટ અને ઝીણવટ ન સાચવી શકતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org