________________
૧૧૨
(૨) વિશ્વખ્યાત વિધાનિધિ ડૉ. સુનીતિકુમાર
જેમની ઉત્કટ જ્ઞાનસાધના, અસાધારણ વિદ્વત્તા, અદ્ભુત સર્જક પ્રતિભા, અદમ્ય કાર્યશક્તિ અને અજ્ઞાત વિષયને પણ આત્મસાત્ કરી શકે એવી તેજસ્વી પ્રજ્ઞાનું યથાસ્થિત વર્ણન કરવામાં શબ્દો પણ ઓછા પડે, એવા ભારતમાતાના જગવિખ્યાત સપૂત ડૉ. સુનીતિકુમાર ચેટર્જીનું ૮૭ વર્ષની પરિપક્વ વયે કલકત્તામાં, તા. ૨૯-૫-૧૯૭૭ના રોજ અવસાન થતાં એક સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમા મહાન સારસ્વતની આપણને ભારે ખોટ પડી છે.
અમૃત-સમીપે
વિદ્યાનાં અનેક ક્ષેત્રોનું તલસ્પર્શી, વ્યાપક અને સફળ ખેડાણ કરવા ઉપરાંત તેઓએ બંગાળની ઉપલી ધારાસભાનું અધ્યક્ષપદ વર્ષો સુધી સફળતાપૂર્વક શોભાવી જાણ્યું હતું. એ બીના એમની કાબેલિયત, અજોડ કાર્યશક્તિ અને ચાણક્યદૃષ્ટિની કીર્તિગાથા બની રહે એવી છે. અંતસમય સુધી પોતાની વિદ્યાસાધનાને અખંડ અને જીવંત રાખવાની સાથે-સાથે રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનો આવો ફાળો આપી શકે એવી વ્યક્તિઓ તો વિરલમાં વિરલ જોવા મળે છે. સ્વનામધન્ય ડૉ. સુનીતિબાબુ આવા જ વિરલ મહાપુરુષ હતા.
ભાષાશાસ્ત્રના તો તેઓ વિશ્વમાન્ય અધિકૃત વિદ્વાન હતા, અને સદ્ગત ડૉ. પી. વી. કાણેની જેમ એમને પણ આપણી કેન્દ્ર સરકારે ‘નેશનલ પ્રોફેસર’ની પદવી આપીને એમની જ્ઞાનોપાસનાનું બહુમાન કર્યું હતું. (આવી પદવી મેળવનાર વિદ્વાનને ઘણું કરી સરકાર તરફથી પંદર હજાર રૂપિયા જેટલું સાલિયાણું મળે છે.) કેન્દ્ર સરકારે એમને ‘પદ્મવિભૂષણ'ના ખિતાબથી પણ વિભૂષિત કર્યા હતા.
ડૉ. સુનીતિબાબુએ દેશ-વિદેશની અનેક પરિષદોમાં ઉચ્ચ સ્થાનો શોભાવ્યાં હતાં, સંખ્યાબંધ શિષ્યોને તૈયાર કર્યા હતા, અનેક વિદ્વાનોને માર્ગદર્શન આપ્યું હતું અને નાનાં-મોટાં ૩૮૦ જેટલાં પુસ્તકોનું સર્જન કર્યું હતું; એ રીતે પોતાના નામ અને કામને ચિરસ્મરણીય બનાવ્યું હતું.
કેવળ આપણા દેશના જ નહીં, પણ વિશ્વના સમસ્ત સારસ્વત સમાજના ગૌરવસમા આ મહાપુરુષને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
(તા. ૧૮-૬-૧૯૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org