________________
ડૉ. ઉમાકાંત શાહ
૧૦૫ અભ્યાસપૂર્ણ અને વિદ્વત્તાભર્યો મહાનિબંધ તૈયાર કર્યો, તે એમના વિદ્યાની ઉપાસના માટે બધું જ સહન કરવાના અતિ વિરલ પુરુષાર્થને સૂચવે છે. એમની આ તપસ્યાનું પહેલું અમૂલ્ય ફળ જૈન સંસ્કૃતિને ફાળે ગયું; એ માટે આપણે એમના સદાને માટે ઋણી રહીશું. જૈન સંસ્કૃતિની આવી વિરલ સેવા કરવામાં જૈન સંસ્કૃતિમાં જન્મેલો ઉપાસક પણ જ્યાં થાક અનુભવવા લાગે, ત્યાં જૈન સંસ્કૃતિના સહજ પ્રેમી બનેલ આ વૈષ્ણવ વિદ્ધજ્જને જૈન શાસ્ત્રો અને ખાસ કરીને જૈન પુરાતત્ત્વનો જે તલસ્પર્શી અભ્યાસ કરી બતાવ્યો તે આપણા માટે દાખલારૂપ અને પ્રેરણા આપે એવો છે. શ્રી ઉમાકાંતભાઈએ કરેલી જૈન સંસ્કૃતિની આ સેવા, ગુજરાતના એક સિદ્ધહસ્ત વૈષ્ણવ ચિત્રકાર ભાઈશ્રી ગોકુલભાઈ કાપડિયાએ વર્ષોની જહેમત ઉઠાવીને આપણને આપેલ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રાવલીની યાદને તાજી કરાવે છે, અને જાણે એ આપણને એમ કહી જાય છે કે વિદ્યા અને કળાનાં ક્ષેત્રોમાં નાત-જાત, દેશ-પરદેશ કે પંથ-ધર્મના સીમાડા ભૂંસાઈ જાય છે.
શ્રી ઉમાકાંતભાઈ કેવળ જૈન પુરાતત્ત્વના જ નહીં, પણ ગુજરાતનાં અને સમગ્ર પશ્ચિમ ભારતનાં પુરાતત્ત્વ, શિલ્પ અને સ્થાપત્યના ઊંડા અભ્યાસી છે. પોતાના અભ્યાસને પૂર્ણ બનાવવા તેમણે અનેક પ્રવાસો પણ ખેડ્યા છે અને જુદાજુદા ધર્મના સાહિત્યનું પણ ખૂબ ખેડાણ કર્યું છે. ઇતિહાસ અને પુરાતત્ત્વના સંશોધનને લગતાં અનેક અંગ્રેજી માસિકો-નૈમાસિકોમાં અત્યાર લગીમાં છપાયેલા તેમના ત્રીસેક જેટલા લેખોએ તેમને પુરાતત્ત્વના એક નિષ્ણાત તરીકેની નામના અપાવવા સાથે અનેક નવા-નવા મુદ્દાઓ ઉપર પ્રકાશ પાથર્યો છે.ગુજરાતીમાં પણ તેઓ કોઈ-કોઈ વાર આવું જ અભ્યાસપૂર્ણ સાહિત્ય આપે છે. દોઢેક વર્ષ પહેલાં વડોદરા પાસે આકોટામાંથી જે પ્રાચીન જૈન ધાતુ-પ્રતિમાઓ મળી આવી હતી, તેના ઉપરથી એમણે જૈન ઇતિહાસની કેટલીય નવી કડીઓ શોધવાનો પ્રયાસ કર્યો છે.
ડૉ. ઉમાકાંત શાહનો જૈન સંસ્કૃતિવિષયક અભ્યાસ અને એના તરફની એમની ઊંડી અભિરુચિ જોઈને આપણને તો એમ જ લાગે કે તેઓ વિદ્યાએ તો જૈન છે, પણ જાણે જન્મ પણ જૈન છે ! તેઓ જન્મે જૈન નહીં હોવા છતાં એમની જૈન સાહિત્ય, ઇતિહાસ, કળા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિ એમને સાચા જૈન ઠરાવે એવી અને કોઈને પણ પ્રેરણા આપે એવી છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી ડૉ. શાહ વડોદરાના સુપ્રસિદ્ધ પ્રાચ્ય વિદ્યામંદિર (ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)ના ઉપાધ્યક્ષ(ડેપ્યુટી ડાયરેક્ટર)નું પદ સંભાળી રહ્યા છે.
ભારતીય વિદ્યા અને જૈન વિદ્યાની આવી વિદ્વત્તાને લઈને એમને થોડા વખત પહેલાં અમેરિકામાં ભાષણો આપવાનું આમંત્રણ મળ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org