________________
૭૮
અમૃત-સમીપે (૧૯) પ્રાચ્યવિધાસંશોધનના કર્મચૂર શ્રી સી. ડી. દલાલ
જે જીવન કર્તવ્યના ઓરસિયા ઉપર ચંદનની જેમ ઘસાઈને પોતાની સુવાસ પ્રસરાવતું જાય છે, એ સદાને માટે લોકહૈયામાં સંઘરાઈ જાય છે – પછી એ લાંબુ હોય કે ટૂંકું !
દેશ-વિદેશમાં વિખ્યાત બનેલ ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાળા (ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ)ના સ્થાપક સદ્ગતશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ આવા જ એક સ્વનામધન્ય યાદગાર પુરુષ થઈ ગયા. ઉંમર તો માત્ર ૩૮ વર્ષની જ: તેમાં ય ૨૮-૩૦ વર્ષ તો અભ્યાસમાં જ ગયેલાં; ફક્ત છેલ્લાં આઠેક વર્ષ એમણે વડોદરાની વિખ્યાત સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત-વિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું. પણ એટલા ટૂંકા ગાળામાં એમણે જે મહાભારત કામ કરી બતાવ્યું, તે કોઈ આજીવન કર્મઠ વ્યક્તિને પણ હેરત પમાડે એવું છે. શ્રી દલાલે કરેલા કામનો સમયની મર્યાદા સાથે મેળ બેસતો જ નથી કે એમણે આટલું બધું કામ ક્યારે અને કેવી રીતે કર્યું હશે ? પોતાના કામને માટે દિવસ અને રાત એક કયાં હોય, ઊંઘ અને આરામને હરામ કર્યા હોય અને આઠે પહોર અને સાઠે ઘડી કેવળ કામ, કામ ને કામ જ ખેંચ્યા કર્યું હોય, છતાં ય ભાગ્યે જ થઈ શકે એટલું કામ તેઓ કરી ગયા ! છેવટે તો તનને, મન અને બુદ્ધિને પણ કંઈક મર્યાદા છે જ ને ? પણ એમ લાગે છે કે જાણે એમને આવી કોઈ મર્યાદા સ્પર્શતી જ ન હતી; અને એમનામાં કામને પહોંચી વળવા કોઈ દેવી શક્તિ જ પ્રગટી હતી!
અને એ કામ પણ કેવું ? ડુંગર ખોદીને ઉંદર શોધવા જેવું પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના સંશોધન અને સંપાદનનું – દેખીતી રીતે કંટાળો ઉપજાવે તેવું – કામ ! અને તે પણ પશ્ચિમના સંશોધનનિષ્ણાતોની મહોર અને પ્રશંસા મેળવી લે એવું ! શ્રી દલાલની આવી અદ્દભુત કામગીરીને લીધે જ ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ વિશ્વની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકી હતી એમ અતિશયોક્તિ વિના અવશ્ય કહી શકાય.
વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત-વિભાગના વડા તરીકે તેમ જ પ્રાપ્ય વિદ્યા ગ્રંથમાળાના સંશોધક-સંપાદક તરીકે એમણે બજાવેલી કામગીરીની વિગતો તો જુઓ : એ પુસ્તકાલયનો હસ્તલિખિત વિભાગ સમૃદ્ધ કરવા માટે શ્રી દલાલે અનેક સ્થળોએ પ્રયાસ કર્યા હતા; એટલું જ નહીં, પાટણ તેમ જ જેસલમેરના હસ્તલિખિત ગ્રંથભંડારોની મહિનાઓ સુધી તપાસ કર્યા બાદ, આજથી ચાર દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં, એની વિસ્તૃત માહિતીપૂર્ણ સૂચીઓ તૈયાર કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org