________________
અમૃત-સમીપે પણ વધારે નીકળ્યા ! આનો ખુલાસો પૂક્યો તો પ્રેમીજીએ પોતાની અંગત રોકડ હોવાનું કહીને પોતાની હિસાબનોંધ રજૂ કરી દીધી. મંત્રીએ હિસાબ મેળવી જોયો તો રોકડ આના-પાઈ સાથે મળી ગઈ. તપાસ કરનારા ખસિયાણા પડી ગયા. પ્રેમીજીએ એ જ વખતે ચાવીઓ મંત્રીજીને હવાલે કરી દીધી, સાથે-સાથે નોકરી પણ સદાને માટે તજી દીધી; જાણે એ ચાવીઓએ એમને માટે સ્વતંત્ર જીવનનો માર્ગ મોકળો કરી દીધો. પછી સભાના આગેવાનોએ પ્રેમીજીને સભામાં રહેવા ઘણું-ઘણું સમજાવ્યા, પણ ફણિધરે કાંચળી ઉતારી તે ઉતારી ! અહીંથી એમના જીવનના ઉત્કર્ષનો આરંભ થયો.
આ દરમિયાનમાં એમણે જૈન ગ્રંથોના પ્રકાશન માટે સ્થપાયેલ “જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય' નામક સંસ્થામાં અને “જૈનહિતૈષી' નામક માસિકના સંપાદનમાં તન તોડીને કામ કર્યું. આ માસિકનું સંપાદન એમણે ૧૧-૧૨ વર્ષ સુધી સંભાળ્યું.
પ્રાચીન જૈન શાસ્ત્રગ્રંથોનું પ્રકાશન આજે તો બધા કરવા લાગ્યા છે; પણ તે કાળે એની સામે રૂઢિચુસ્તોનો સજ્જડ વિરોધ હતો. સને ૧૯૦૪ની સાલમાં એમણે આવા વિરોધીઓની આકરી ટીકા કરવા માટે “પૂજારી-સ્તોત્ર' નામનું કટાક્ષકાવ્ય રચ્યું અને “જૈનમિત્ર'ના પહેલે પાને છાપ્યું. એમાં પૂજારીઓ અને શ્રીમંતોના જૂનવાણીપણાની આકરી ટીકા વાંચીને ભારે ખળભળાટ મચી ગયો; પણ પ્રેમીજી એથી જરા ય ચલિત ન થયા; એમને મન તો આ ખળભળાટ માત્ર ધરતીને લીલીછમ અને ધાન્યથી ભરપૂર બનાવનાર મેઘરાજાની ગર્જના જેવો જ હતો.
- નોકરી છોડ્યા પછી પ્રેમીજીએ સ્વતંત્ર ધંધાનો વિચાર કર્યો. પણ એ માટે જોઈતાં સાધનો તો હતાં નહીં. એટલે શરૂઆતમાં અનુવાદ વગેરેનું સ્વતંત્ર કામ કરીને આજીવિકા રળવા માંડ્યા. પહેલું કામ એમણે શ્રીમદ્ રાજચંદ્રના “મોક્ષમાળા” પુસ્તકનો હિન્દી અનુવાદ કરવાનું કર્યું. એમાં એમને ધાર્યા કરતાં સારી રકમ મળી; પણ એ અનુવાદ પુસ્તકરૂપે છપાય તે પહેલાં જ ખોવાઈ ગયો!
આમ આજીવિકા તો ગમે તેમ ચાલ્યા કરતી હતી; પણ સ્વતંત્ર ધંધાનું સ્વપ્ન હજી સાકાર નહોતું થયું. એટલામાં હિન્દીના સુપ્રસિદ્ધ વિદ્વાન અને લેખક સદ્ગત શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદીજીએ જહોન ટુઅર્ટ મિલના “લિબર્ટી' પુસ્તકનો હિન્દીમાં “સ્વાધીનતા' નામે અનુવાદ કર્યો, પણ અંગ્રેજ સરકારની ખફગીની બીકે એ પુસ્તક છાપવા કોઈ તૈયાર ન થયું. શ્રી પ્રેમીજીએ એ પુસ્તકને પ્રકાશિત કરવાની હામ ભીડી, અને સને ૧૯૧૨ની સાલમાં “હિન્દી ગ્રંથ-રત્નાકર'ની સ્થાપના કરીને એના પ્રથમ પુસ્તક તરીકે આ બળવાખોર પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પહેલું જ પ્રકાશન જાણે આ મહાન પ્રકાશન-સંસ્થાનો મજબૂત પાયો બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org