________________
૯૮
અમૃત-સમીપે
બિકાનેરમાં એમના પ્રયાસથી પ્રાચીન-અર્વાચીન ગ્રંથોથી સમૃદ્ધ ‘શ્રી અભય જૈન ગ્રંથાલય' અને ‘કલાભવન’ રૂપે કલાસંગ્રહ જનતાને મળી શકેલ છે. એક વિદ્યાસેવીને શોભે એવું સાદું, ખડતલ, ધર્મમય અને અપ્રમત્ત એમનું જીવન છે.
તા. ૧૦-૪-૧૯૭૬ ને રોજ બિકાનેરના મહાવીર જૈન મંડલ' દ્વારા ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ‘પદ્મવિભૂષણ’ ડૉ. દોલતસિંહજી કોઠારીના અધ્યક્ષપદે વિવિધ કાર્યક્રમો સાથે તેમને અભિનંદન-ગ્રંથ અર્પિત થયો તે પ્રત્યે અમે હાર્દિક ખુશાલી અનુભવીએ છીએ.
(તા. ૧૨-૬-૧૯૭૧ તથા તા. ૮-૫-૧૯૭૬)
(૨૬) ખડતલ વિધોપાસક પં. શ્રી જુગલકિશોરજી મુખ્તાર
દિગંબર જૈન સમાજના આ યુગના એક સમર્થ વિદ્વાન પંડિતશ્રી જુગલકિશોરજી મુખ્તારનો ૯૨ વર્ષની પાકટ વયે ઉત્તર પ્રદેશના એટા ગામમાં તા. ૨૨-૧૨-૧૯૬૮ના રોજ સ્વર્ગવાસ થતાં લગભગ છ દાયકા સુધી પોતાના સમાજની અનેક રીતે એકધારી સેવા બજાવનાર વીર પુરુષની સમાજને એક મોટી ખોટ પડી.
શ્રી મુખ્તારજીનું જીવન એક સાધક પુરુષ જેવું કર્તવ્યનિષ્ઠ, અપ્રમત્ત, સંયમી અને સાદાઈથી પરિપૂર્ણ હતું. જેવું ખડતલ એમનું શરીર હતું, એવું જ સુદૃઢ એમનું મનોબળ હતું, અને એવી જ અદમ્ય એમની કાર્યશક્તિ હતી. કોઈ પણ કાર્ય શરૂ કર્યું, એટલે પછી પાછા પડવાનું નામ નહીં. એમને પોતાના કાર્યથી કે પોતાના સંકલ્પથી કોઈ ભય, લોભલાલચ કે કીર્તિ-પ્રતિષ્ઠા-નામનાની કોઈ આકાંક્ષા ડગાવી ન શકે.
શ્રી મુખ્તારજીનું જીવનકાર્ય (mission) હતું વિદ્યોપાસનાનું. તેઓએ લગભગ અરધી સદી સુધી દિગંબર સાહિત્યના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપન દ્વારા, પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન દ્વારા, સાહિત્યસર્જન દ્વારા, વિદ્વાનો તૈયાર ક૨વાનું અને વિદ્યાપ્રસારનું કામ કરતી ‘વીર સેવામંદિર' જેવી સંસ્થાની સ્થાપના દ્વારા જે કામગીરી બજાવી હતી, એ એમની કાર્યનિષ્ઠા અને નિઃસ્વાર્થ સેવાપરાયણતાની કીર્તિગાથા બની રહે એવી છે. તેઓ એક વિદ્યાતપસ્વી હતા; એમનો યુગ એ ‘મુખ્તારજીનો યુગ' હતો એમ કહેવું જોઈએ. છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન થયેલ દિગંબર જૈનધર્મસાહિત્યના સંશોધન-પ્રકાશનનું ભાગ્યે જ એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org