________________
પં. શ્રી જુગલકિશોરજી મુખ્તાર
૯૯
કોઈ ક્ષેત્ર હશે, કે જેમાં શ્રી મુખ્તારજીનો એક યા બીજા રૂપે નોંધપાત્ર ફાળો ન હોય. આ દૃષ્ટિએ તેઓએ પોતાનું ‘યુગવીર’ તખલ્લુસ રાખ્યું હતું, તે સાર્થક હતું.
તેઓનો જન્મ ૯૨ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના સહારાનપુર જિલ્લાના સરસોવા ગામમાં થયો હતો. એમની જ્ઞાતિ અગ્રવાલ વણિકની હતી. તેઓનું કુટુંબ સુખી હતું. અગ્રવાલ જ્ઞાતિ અર્થોપાર્જનમાં કુશળ લેખાય છે, અને અર્થપરાયણતા એ એની ખાસિયત હોય છે. આવી જ્ઞાતિમાં અને તેમાં ય ગર્ભશ્રીમંત ઘરમાં જન્મેલ વ્યક્તિમાં સેવાના અને આજીવન વિદ્યાસાધનાના સંસ્કાર જાગવા, એ વિશિષ્ટ ભવિતવ્યતા-યોગ કે પૂર્વજન્મની વિશિષ્ટ સાધનાનું જ પરિણામ લેખી
શકાય.
મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ ૨૦ વર્ષની ઉંમરે શ્રી મુખ્તારજીએ વકીલ શ્રી સૂરજભાણજીને સાથે કોર્ટ-કચેરીના કામનો વ્યવસાય શરૂ કર્યો. શ્રી સૂરજભાણજીને ધાર્મિક સ્વાધ્યાયનો ઘણો રસ હતો. શ્રી મુખ્તારજીનું ચિત્ત પણ સત્સંગથી ધાર્મિક સ્વાધ્યાય તરફ અભિમુખ થયું. દસેક વર્ષના આવા સ્વાધ્યાયનું પરિણામ એ આવ્યું કે એમનું અંતર ધર્મભાવના અને વિદ્યાસાધનાના રંગે વિશેષ રંગાયું, અને એમને સાચ-જૂઠ કરવાના વકીલાતના વ્યવસાય તરફ અણગમો થઈ આવ્યો. અંતે બંને જણાએ, પોતાના અસીલોને કહ્યા-પૂછ્યા વગર પોતાનો વ્યવસાય છોડી દીધો. આ ધંધામાં કમાણી કંઈ ઓછી નહોતી થતી; પણ એમને તો હવે સંસ્કારધનની કમાણી કરવી હતી, એટલે ધન ત૨ફનું આકર્ષણ સહેજે ઓછું થઈ ગયું. આ રીતે શ્રી મુખ્તારજીએ પોતાના જીવનમાં અપરિગ્રહ-ભાવની પ્રતિષ્ઠા કરી.
૩૬ વર્ષની ભરયુવાન વયે એમનાં પત્ની ગુજરી ગયાં. સંતાન કંઈ હતું જ નહીં. સગાંસ્નેહીઓ ફરી લગ્ન કરવા આગ્રહ કરતાં રહ્યાં, પણ શ્રી મુખ્તારજીનું મન તો કંઈક બીજી સાધના માટે તલસી રહ્યું હતું. તેઓએ ફરી લગ્ન ન કર્યાં અને આ દુઃખને બંધનમુક્તિ જેવું લેખીને એનો ઉપયોગ જનસેવા અને જીવનવિકાસ માટે કરી લેવાનું નક્કી કર્યું. આમ શ્રી મુખ્તારજી કંચન અને કામિની એ બંને આકર્ષણથી બચીને પોતાની સાધનામાં લાગી ગયા. આટલી નાની ઉંમરે ફરી લગ્નનો ઇન્કાર કરનાર વ્યક્તિમાં કેવું ખમીર અને કેવી ભાવના ભરી હશે તે સમજી શકાય છે.
સામાજિક દૃષ્ટિએ તેઓ હંમેશાં પ્રગતિશીલ વિચારના અને સુધારાના પુરસ્કર્તા રહ્યા છે; અને રાષ્ટ્રીયતાની ભાવના પણ એમના અંતરમાં વસી હતી.
આ બધું છતાં એમનો પ્રિયમાં પ્રિય વ્યવસાય તો હતો વિદ્યાસેવાનો. તેઓએ પોતાની આ પ્રિય પ્રવૃત્તિના વિકાસ માટે પોતાની સંપત્તિ આપી દીધી હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org