________________
૮૬
અમૃત સમીપે તરફ ગયું. અને આપણા જાણીતા પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજીની પ્રેરણા અને દોરવણી પ્રમાણે અપભ્રંશ ભાષાના મહાકવિ સ્વયંભૂએ રચેલ “પઉમચરિય'નું સંશોધન-પરિશીલન કરીને એમણે ડૉક્ટરેટ/પીએચ.ડી.)ની પદવી પ્રાપ્ત કરી.
પછી તો એમની વિદ્વત્તા પોતાના ક્ષેત્રમાં કમળની જેમ વિકસવા લાગી, અને ક્રમે-ક્રમે ગુજરાતમાં અપભ્રંશ ભાષા અને સાહિત્યના એક અધિકૃત સાક્ષર તરીકેનું ગૌરવભર્યું સ્થાન તેઓએ પ્રાપ્ત કર્યું. સાથે-સાથે પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્યના પંડિત તરીકે પણ ડૉ. ભાયાણીએ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમ જ થોડાંક વર્ષ પહેલાં, ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ (અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ)ના એક અધિવેશનમાં “પ્રાકૃત ભાષા અને જૈનધર્મ' વિભાગના વિભાગીય પ્રમુખ બનવાનું બહુમાન પણ એમને મળ્યું હતું.
ડૉ. ભાયાણી ઘણાં વર્ષોથી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં કામ કરી રહ્યા છે. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યનું સંશોધન અને અધ્યાપન એ જેમ એમના પ્રિય વિષયો છે, તેમ ભાષાશાસ્ત્ર પણ એમના અભ્યાસનો વિષય બનેલ છે. ભાષાશાસ્ત્રનો પરદેશમાં સારા પ્રમાણમાં વિકાસ થયેલો છે; અને ધીમે-ધીમે વિદ્યાની આ શાખાનો આપણા દેશમાં પણ હવે વિકાસ થવા લાગ્યો છે. આ વિષયના નિષ્ણાત વિદ્વાનો આપણે ત્યાં બહુ જ ઓછા છે, એવી સ્થિતિમાં ડૉ.
ભાયાણીનું એ વિષયના અધ્યયન-અધ્યાપનતરફી વલણ એમની વિદ્વત્તાને માટે વિશેષ શોભારૂપ બની રહે એવું છે.
પોતાની વિદ્વત્તાનો ઉપયોગ તેઓ બે રીતે કરી રહ્યા છે : એક તો અપભ્રંશ ભાષાના તેમ જ અન્ય પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદન દ્વારા તથા પોતાની રૂચિના વિષયોના નવા ગ્રંથોના સર્જન દ્વારા, તેમ જ અનુસ્નાતક વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપીને “ચેતનગ્રંથો તૈયાર કરીને.
આવા એક અધિકૃત વિદ્વાનનું બહુમાન કરવું એ કૃતજ્ઞ અને ગુણજ્ઞ સમાજની ફરજ ગણાય. થોડા વખત પહેલાં ગુજરાત સાહિત્યસભાએ સને ૧૯૬૩નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક ડૉ. હરિવલ્લભ ભાયાણીને અર્પણ કરવાનો સ્તુત્ય નિર્ણય કરીને એ નિમિત્તે ગુજરાતની વિદ્વત્તાની સુવાસ ગુજરાત બહાર પ્રસરાવનાર એક વિઘાનિષ્ઠ વિદ્વાનનું યત્કિંચિત્ જાહેર બહુમાન કરવાની તક ઝડપીને પવિત્ર ફરજ બજાવી છે.
કોઈ પણ કામ કરવામાં શ્રી ભાયાણીની એક વાત હંમેશાં ધ્યાનમાં રાખવા જેવી છે ? તેઓ માને છે, અને ક્યારેક કહે છે પણ ખરા, કે જે કોઈ કામ કરવું તે એવું કરવું, અને એવી રીતે કરવું કે જે કર્યા પછી ચિત્ત પ્રસન્નતા અનુભવે, મનમાં કોઈ પણ જાતની ગ્લાનિ ન જન્મે.
(તા. ૩૦-૫-૧૯૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org