________________
૫૮
અમૃત-સમીપે
ફૅલોશિપ મળતાં તેઓ સંસ્કૃત ભાષાની માતૃભૂમિ ભારતમાં આવ્યાં. આ સમયે તેમણે અનેક વિદ્યાસંસ્થાઓની પણ મુલાકાત લીધી. બેએક વર્ષની આ વિદ્યાયાત્રા દરમ્યાન એમનું ધ્યાન ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' તરફ ગયું.
‘ત્રિષષ્ટિ 'નો અનુવાદ કરતાં પહેલાં એના અશુદ્ધ કે ન સમજાતા પાઠોને શુદ્ધ કરવાનું મુશ્કેલ કામ કરવાનું હતું. તે પછી મૂળકર્તાના ભાવને અંગ્રેજી ભાષામાં ઝીલી લેવાનું કામ તો એથી ય કઠણ હતું. પણ આ માટેનાં જરૂરી સંકલ્પબળ અને કાર્યશક્તિ એમની પાસે હતાં, એટલે એમણે એ કામની જવાબદારી ઉઠાવવાની હિંમત કરી. તેઓ આ માટે ૧૯૨૭થી ૧૯૩૧, ૧૯૪૭થી ૧૯૪૯ સુધી અને છેલ્લે ૧૯૬૦થી ૧૯૬૨ સુધી હિંદુસ્તાનમાં રોકાયાં હતાં, અને મુનિરાજ શ્રી જયંતવિજયજી, ન્યાયવિશારદ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી, આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી અને મુનિરાજ શ્રી વિશાલવિજયજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. મુ. શ્રી જયંતવિજયજી મહારાજને તો એમણે પોતાના વિદ્યાગુરુ તરીકે બિરદાવીને પોતાના ગ્રંથનો છેલ્લો ભાગ એમને અર્પણ કર્યો છે. ઉપરાંત ડૉ. ભોગીલાલ સાંડેસરા, પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી, ડૉ. ઉમાકાંત શાહ, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરેનો પણ એમણે સહકાર મેળવ્યો હતો.
એમણે રૌહિણેયનાં સાહસો, રૌહિણેયચરિત, મહાવીર અને ગોશાલ વચ્ચેના સંબંધને લગતો અભિનવ અહેવાલ, શ્વેતાંબર જૈન મૂર્તિવિદ્યા, હેમચંદ્રની કૃતિમાં વનસ્પતિ-સંબંધી નિર્દેશો, રાજગૃહી અંગે નોંધ, રોહિણી-અશોકચંદ્રકથાનું ભાષાંતર વગેરે વિષયોના અભ્યાસપૂર્ણ લેખો-નિબંધો લખ્યા હતા.
સૌથી મોટી વાત તો એક જ ગ્રંથના અનુવાદમાં જિંદગીનાં ઉત્તમ વર્ષો ધીરજપૂર્વક લગાવી દેવાં એ છે. અલબત્ત, આ બધું અમેરિકા દેશની વિદ્વાનોના કાર્યમાં સહાયરૂપ થવાની ઉદારતા અને તત્પરતાને લીધે જ બની શક્યું છે એ સ્વીકારવું જોઈએ. અને છતાં ડૉ. જ્હોન્સને તો ફરિયાદ કરી છે કે જો અમેરિકાના ભારતીય વિદ્યાના વિદ્વાનોએ આ કામમાં થોડોક વધારે રસ દાખવ્યો હોત, અને થોડીક વધારે સહાય આપી હોત તો આ કામ વીસ વર્ષ પહેલાં પૂરું થઈ શક્યું હોત; પણ સામાન્ય કામો માટે જ્યારે હજારો ડૉલરની મદદ આપવામાં આવતી હતી, ત્યારે ‘ત્રિષષ્ટિ'ને માટે વીસ વર્ષ સુધી કશી સહાય જ ન મળી !
આ વિદુષી બહેનની ધીરજની પણ આમાં કેવી કસોટી થઈ હતી, એનો એક પ્રસંગ અહીં નોંધવા જેવો છે : બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તે દરમ્યાન ત્રીજા ભાગની પ્રેસકોપીનો કેટલોક ભાગ દરિયામાં ગુમ થયો હતો ! આવી ધીરજ અને ચીવટની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org