________________
શ્રી લવજી ઋષિજી સ્વામી
'તૃતીય સુધારક શ્રી લવજી ઋષિજી સ્વામી
સુરત શહેરમાં (ગોપીપુરામાં) જૈન લોકાગચ્છાનુયાયી દશા શ્રીમાળી વણિક વીરજી વોરા” નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમના સંબંધી એવું કહેવાય છે કે નાની ઉંમરમાં તેઓ ગરીબ હતા જેથી એક વૈષ્ણવધર્મી શેઠને ત્યાં નોકરી કરતા હતા. તે શેઠના વતી હંમેશા તેઓ દૂધની એક તાંબડી ભરી વલંદાની કોઠી પાસે કોઈ પશ્ચિમ તરફ રાંદેર ગામના રસ્તે તાપી નદીમાં નાખવા જતા હતા.
એક વખત રસ્તામાં એક સર્ષ આવીને ઊભો રહ્યો અને વીરજી વોરાના જવાનો માર્ગ રોકવા લાગ્યો, આથી તેમણે વિચાર્યું કે આ સર્પને દૂધ પીવાની ઈચ્છા લાગે છે. તેમણે દૂધની તે તાંબડી સર્પના મોઢા આગળ મૂકી; એટલે તે સર્પ બધું દૂધ પી ગયો. પછી વીરજી વોરાએ પાછું ફરવા માંડ્યું, ત્યારે પણ સર્પ તેમની આડે આવીને ઊભો રહ્યો. થોડી વાર પછી તે સર્વે વીરજી વોરાના વસ્ત્રનો એક છેડો પોતાના મોઢામાં લઈને તેમને કોઈક જગ્યાએ લઈ જવાનો સંકેત કરવા લાગ્યો.
વીરજી વોરા સર્પની પાછળ ચાલવા મંડયા. સર્પ તેમને નદીકિનારે લઈ ગયો અને ત્યાં પડેલી એક શિલાને ભરડો દઈને શિલા ઊંચી કરી. એટલે ત્યાં એક મોટું ભોયરું દેખાયું, તેમાં તે વીરજી શેઠને લઈ ગયો. તે વખતે સર્પે પોતાની પાસેનો મણિ કાઢી પોતાના માથા પર મૂક્યો, એટલે ભોંયરામાં પ્રકાશ થયો. આગળ જતાં પુષ્કળ ધનથી ભરેલો એક ભંડાર દેખાયો; તે સાથે ત્યાં દેવતાઈ ભૂંગળો વાગતી સંભળાઈ. આ બધું ધન જાણે સર્પ વીરજી વોરાને અર્પણ ન કરતો હોય, તેમ તેણે પોતાની ફેણ વીરજી વોરાના માથે ધરી ખુશી બતાવી.
તે બધું ધન ગણતા છપ્પન ક્રોડ સોનૈયા હતા એમ કહેવાય છે તેથી છપ્પન ઉપર ભૂંગળ વાગતી હતી. હાલમાં ગોપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે, ત્યાંથી રાંદેરનો પૂલ બંધાયેલો છે ત્યાં સુધી ભોંયરું હતું એમ કહેવાય છે. તે બધું ધન વીરજી વોરાએ ગ્રહણ કરેલું તેથી તેઓ સમૃદ્ધિવાન થયા હતા અને મોટો વેપાર કરતા હતા.
શ્રી વીરજી શેઠને નગરશેઠની પદવી મળી હતી. તેઓ ઘણા રાજાઓને મદદ કરતા તેથી રાજ તરફથી તેમને ખૂબ માન મળતું. તેઓ લોંકાગચ્છીય જૈન હોવાથી દિવાળીના દિવસે પૌષધ કરતા અને એકમના દિવસને શારદાપૂજન કરતા. ગામ લોકો પણ તેમનું જ અનુકરણ કરતા. અત્યારે પણ સુરતમાં તે પ્રમાણે પૂજન થાય છે અને તે પડવાને “વીરજી વોરાનો પડવો' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org