________________
આ છે અણગાર અમારા
૧૨૩
વિશેષ તપાસ કરતાં જણાય છે કે એકલપાત્રિયા શ્રાવકોની શ્રદ્ધા આઠ કોટિની હોય તેમ સિદ્ધ થતું નથી પણ છ કોટિની શ્રદ્ધા હતી એમ સાબિત થાય છે. થોડાં વર્ષો પહેલાં જામનગરમાં એકલપાત્રિયા પક્ષના શ્રાવકો હતા અને તેમનો ઉપાશ્રય પણ છે. તેઓ પણ છ કોટિએ વ્રતાચરણ કરતા હતા; જેથી એકલપાત્રિયાના વારસા તરીકે આઠ કોટિની શરૂઆત માનવા કરતાં દરિયાપુરીના પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજના આવશ્યક સૂત્રની પ્રત ઉ૫રથી આઠ કોટિની શરૂઆત માનવાનો અભિપ્રાય વધારે માનનીય જણાય છે.
ગમે તેમ હો પણ એક તરફ આઠ કોટિની શ્રદ્ધા અને બીજી તરફ ગેરૂલાલે ફેલાવેલી તેરાપંથી શ્રદ્ધાથી વધારે ભિન્નતા થવા માંડી હતી. આ ભિન્નતાને આગળ વધતી અટકાવવા અને તેના મૂળને કાઢી નાખવા સ્વામીજીએ પ્રયાસ ચાલુ કર્યો, તેરાપંથીની શ્રદ્ધા વધારે ભયંકર અને ઉન્માર્ગપ્રવર્તક જાણી પ્રથમ તેના ઉપર જ લક્ષ્ય રાખ્યું. વાગડમાં અને કંઠીમાં સંવત ૧૮૩૬-૩૭-૩૮ ત્રણ વરસ લગાતાર રહી તેરાપંથીની કુયુક્તિઓના શલ્ય, યુક્તિ અને શાસ્ત્રીય દાખલાથી દૂર કરી સુધારો કર્યો, ત્રણ વરસમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ખોટી શ્રદ્ધા રહેવા દીધી નહિ; માત્ર વાગડના બેલા, ફત્તેહગઢ વગેરે બે-ચાર ગામોમાં જવાયું નહિ તેથી તે શ્રદ્ધાનો પડઘો ત્યાં રહી ગયો જે હજી સુધી ચાલુ છે.
પૂજ્યશ્રીનો પ્રસરેલો પુણ્ય પ્રભાવ
કચ્છના આ વિહાર દરમ્યાન ધોળકાના રહીશ તલકશીભાઈ અને કુતિયાણાના રહીશ રવજીભાઈએ પૂજ્ય શ્રી પાસે દીક્ષા લીધી. એકે સંવત ૧૮૩૭ ભુજમાં અને બીજાએ સંવત ૧૮૩૮માં લીધી. તે ઉપરાંત કચ્છ કાંડાગરાના વતની જ્ઞાતિએ વિશા ઓસવાળ નાગજીભાઈ દેઢિયા અને તેમના પુત્ર દેવરાજ એ બન્નેના મન ઉપર પૂજ્યશ્રીના અસરકારક બોધની સચોટ અસર થતાં સંસારનું સ્વરૂપ અસાર અને તુચ્છ સમજી ઉપાધિમય પ્રવૃત્તિમાર્ગને છોડવાના બન્નેનો વિચાર થયો. થોડા સમયના સહવાસથી વૈરાગ્ય દૃઢ થતું ગયું અને તે બન્ને મુમુક્ષુઓ તેમની સાથે સંયમ જીવનની તાલીમ લેવા લાગ્યા.
કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં પાવન પધરામણી
સંવત ૧૮૩૯ની સાલમાં પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી પોતાના ગુરુવર્યો તથા શિષ્ય પરિવારની સાથે કચ્છમાંથી પુનઃ સૌરાષ્ટ્રમાં પધાર્યા. બે વરસના સમયમાં ઘણા ગામોના લોકોને લાભ આપતાં સંવત ૧૮૪૧ની સાલમાં ગોંડલ પધાર્યા. બન્ને ઉમેદવારોને પણ અનુભવ લેતાં લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org