________________
આ છે અણગાર અમારા
૨૬૩
ગણત્રી હતી પણ તે ખોટી ઠરી. મંદિરમાંથી એવો જવાબ મળ્યો કે અહીં રાત્રે કોઇને સૂવા દેવામાં આવતા નથી. પાસે એક ખુલ્લી ધર્મશાળા હતી. પોષ મહિનાની ઋતુ હતી. તે ધર્મશાળા તરફ આંગળી ચીંધવામાં આવી એટલે તેઓ તે ધર્મશાળામાં ગયા, ધર્મશાળા ત્રણે બાજુથી ખુલ્લી હતી. તેમણે કડકડતી ઠંડીમાં ત્યાં જ સમભાવપૂર્વક રાત ગાળી.
એક વાર બસી નામનું રેલ્વે સ્ટેશન આવ્યું. રેલ્વે સ્ટેશનોમાં ઘણીવાર રાત્રિ ગાળવા પરવાનગી મળી રહેતી પણ બસીના સ્ટેશન માસ્તરે ના કહી અને ગામમાં જવાનું કહ્યું. ગામ બે માઇલ દૂર હતું. પૃચ્છા કરતાં એકે કહ્યું કે આગળ જતાં કે સડકને રસ્તે એક કોઠો છે ત્યાં રહી શકાશે. કોઠા પાસે પહોંચ્યા ત્યારે પા કલાક દિવસ રહેલો કોઠાનું મકાન તૂટી ગયેલું હતું, એટલું પુરાણું હતું કે લાત મારતા છાપરું તૂટી પડે. મકાનમાં ખાડા પડેલા, બારી બારણાનું નામ નિશાન નહિ. ધૂળનો પાર નહિ, જંગલી જાનવરોનાં પગલાં પડેલા દેખાતા હતા. તે પરિસ્થિતિની વચ્ચે ત્યાં પણ મુનિમંડળે નિરુપદ્રવે રાત ગાળી.
અજમેરથી પાછા ફરતા એરીનપુરા રોડ નામના સ્ટેશને એક વાર શ્રી રત્નચન્દ્રજી મ. વિહાર કર્યો. ગાઇડ બુકમાં કોટા૨ નામનું એક નાનું સ્ટેશન જણાવેલું હતું. સ્ટેશન પહોંચતા તદ્દન ઉજ્જડ જણાયું, સ્ટેશન માસ્ટર પણ નહિ. થોડે દૂર એક ઝૂંપડી હતી તેમાં એક માણસ રહેતો હતો. તેની પાસેથી સ્ટેશનમાં રાતવાસો ગાળવાની રજા મળી. પ્રતિક્રમણાદિ કરી મુનિઓ બેઠા હતા, ત્યાં આશરે રાતે નવેક વાગ્યે થાણેદાર સાહેબ આવ્યા. તેમણે ખુલાસો કર્યો કે અહીં ત્રણચાર વર્ષથી લૂંટફાટ ચાલે છે તેથી સ્ટેશન ઉજ્જડ થઇ ગયું છે. ગાડીના ટાઇમે ગાર્ડ જ ટિકિટ આપે છે. મધરાતે અહીં લૂંટારાઓ ભેગા થાય છે. આ લૂંટારાઓનો અડ્ડો છે. અહીં રહેવું સલામતીભર્યું નથી. અહીંથી એકાદ ફલાંગ દૂર મારું મકાન છે, આપ ત્યાં પધારો. મુનિશ્રીએ જવાબ આપ્યો, રાત્રે અમારાથી ક્યાંય જવાય નહિ. વળી અમારી પાસે એવું કાંઇ નથી જે લૂંટારાઓ લૂંટે. રાત ત્યાં જ ગાળી પણ વરસાદ ખૂબ પડ્યો તેથી લૂંટારાઓ આવ્યા જ નહિ.
એ સ્ટેશન પરથી આગળ વિહાર કરતા માર્ગમાં એક વાઘનો ભેટો થઇ ગયેલો પણ મુનિ મંડળથી પચીસેક કદમ જેટલે દૂરથી પોતાને માર્ગે પસાર થઇ ગયો હતો.
અજાણ્યા અને વસ્તીથી રહિત ગામડામાં આહારપાણી મેળવતાં પણ તેમને તરેહ તરેહના અનુભવો થતા. રેલ્વે લાઇન પરથી વિહાર કરવાનો હોય અને વસ્તી બહુ દૂર હોય ત્યારે કોઇ વાર રેલ્વેના ડ્રાઇવરને વિનંતી કરીને એન્જિનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org