________________
૩૨૦
શ્રી નવલચન્દ્રજી સ્વામી વડીલ ભાઈઓ વગેરેએ અંજાર સંઘની સમક્ષ નાથાભાઈને દીક્ષાની લેખિત સંમતિ આપી.
આ તરફ પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વિરજી સ્વામી આદિ ઠાણા-૫ વિદડાનું ચાતુર્માસ પૂર્ણ કરી ગુંદાલા પધાર્યા તથા શતાવધાની મ. આદિ ઠાણાઓ અંજારનું ચાતુર્માસ પૂર્ણ કરી ગુંદાલા પધાર્યા. ત્યાં પિતા પુત્રને દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું.
ગુંદાલામાં બીજા બે બહેનોની દીક્ષા હોવાથી સંઘમાં ભારે ધાર્મિક ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. સં. ૧૯૮૬ના કારતક વદ-૯ના શાહ પતુભાઈ મોનાની સુપુત્રી શ્રી દયાકુંવરબાઈ (હેમકુંવરબાઈ)ની દીક્ષા થઈ. માગસર સુદ-૧ના શાહ માવજી આસુના બહેન શ્રી ક્ષેમકુંવરબાઈની દીક્ષા થઈ.
ધન્ય ધરા એ ગુંદાલા ગામની, દીક્ષા થઈ ત્યાં કલિયુગ રામની (૨) સંઘ ચતુર્વિઘ શોભાવનારા, વિયોગ અમોને નથી ખમાતો....
નાથાભાઈ તથા નરપાલકુમારની દીક્ષાની તડામાર તૈયારીઓ થવા લાગી. અનેક ગામોના ભાવિકો પિતા-પુત્રની દીક્ષા નિહાળવા ઉપસ્થિત થયા હતા. તે સર્વેનું સુંદર આતિથ્ય શાહ પતુભાઈ મોનાભાઈએ તથા શ્રી સંઘે કરેલ.
પૂજય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, તપસ્વી મ. શ્રી શિવજી સ્વામી, શતાવધાની પં. શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૯ તથા મહાસતીજીના ઘણા ઠાણા ઉપસ્થિત થયા હતા. વિ.સં. ૧૯૮૬, માગાસર સુદ-૩ બુધવારની સવારે પિતા-પુત્રની મહાભિનિષ્ક્રમણ યાત્રા શાહ પતુભાઈ મોનાભાઈના ઘરેથી નીકળી ગામ બહાર જેસલ તોરલની જગ્યા પાસે વડ નીચે પહોંચી. હકડેઠઠ્ઠ મેદની હતી. વાતાવરણ ભારે ઉલ્લાસમય હતું, ત્યારે પૂજ્ય સાહેબની આજ્ઞાથી પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ ૧૧ વાગ્યે દીક્ષામંત્ર પ્રદાન કર્યું. શ્રી નાથાભાઈનું નામ નાગજી સ્વામી તથા નરપાલકુમારનું નામ નવલચન્દ્રજી સ્વામી રાખી, પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના શિષ્યો તરીકે જાહરે કર્યા. તેમની વડી દીક્ષા ભોરારામાં થયેલ.
ગુલાબ-વીરના નંદન વનમાં, સદ્ગુણ સિંચ્યા મુનિ જીવનમાં (૨) સુમન બનીને સુરભિ દેનારા, વિયોગ અમોને નથી ખમાતો....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org