________________
૨૭૬
શ્રી નાનજી સ્વામી છે. સગાઈ તોડવામાં નાતનો ગુનો થશે તો નાતને થોડાં નાણાં આપશું પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી.
નાગરભાઈએ જવાબ આપ્યો, “વડીલો ! આપની વાત સોળ વાલ અને એક રતિની. ભાભી મારે મન પ્રથમથી જ જનેતા છે. આજે જનેતા ભાવમાં કળશ ચઢી ગયો.” સૌ સાંભળી રાજી રાજી થઈ ગયા. નાગરભાઈને જે બોધ આપવા આવ્યા હતા તેઓ જ બોધ પામી ગયા. ઠાણાંગ સૂત્રનો દાખલો આપી તેમણે કહ્યું, “મા-બાપનું ઋણ ચામડી ઉતારી તેના જોડા બનાવી આપવાથી ઉતરે નહીં તે જ ઋણ તેમને ધર્મ પમાડતાં પળવારમાં છૂટી જાય.” મોંઘીબાઈએ કહ્યું. “બસ મારે એ જ જોઈએ છે. બીજું કશું જ નહી.” જે રોકી રાખે તેમ હતા તેમણે જ પ્રેરણા આપી. નાગરભાઈ સુદામડા જઈ ભાવિ પત્નીને ચુંદડી ઓઢાડી બેન બનાવી.
ગુરુકૃપા વિના માયાવાળા મનનો પાર ન આવે;
શી શોધ કરું અજાણ નરને અંધારે કેમ ફાવે. ચરિત્રનાયક શ્રીનું બનાવેલું આ પદ છે. નાગરભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો તેવામાં જ લીંબડીના સ્થા. જૈન પોપટભાઈ હંસરાજભાઈ મળ્યા. તેમણે કહ્યું, “ઊઠ નાગર ! તારા જેવા યોગ્ય ચેલાને ઘડી શકે તેવા સુયોગ્ય ગુરુ દેખાડું...!”
ભાભીના આશીષ લઈ નાગરભાઈ મુરબ્બી શ્રી પોપટભાઈની સાથે કંઠીમાં બિરાજમાન પૂજયશ્રી દેવચન્દ્રજી મહારાજના ચરણોમાં પહોંચી ગયા. પૂર્વના ઋણાનુંબંધે તેઓના દર્શન થતાં જ એમનાં અંતરમાંથી કાવ્યસરિતા ફૂટી નીકળી. “આ અંતરઘટમાં આનંદજલ ઉભરાય, સાગરનું પાણી ગાગરમાં ન સમાય”
એકદા ગુરુ મહારાજ પૂ. શ્રી દેવચન્દ્રજી મ. કહે, “નાગર ! તું ૨૩ વર્ષનો યુવાન છે. તારામાં વિનય, વૈયાવચ્ચ બન્ને ગુણો પ્રબળ છે પણ સંસારમાં રહીને મોક્ષસાધના થઈ શકે છે હો.” નાગરભાઈ ગુરુનું મંથન સમજી ગયા. “ગુરુદેવ! સંસારપક્ષે મારી બધી ફરજ બજાવી ચૂક્યો છું. રજા લઈને આવ્યો છું. આપ ઈચ્છો તો મારા જનેતાતુલ્ય ભાભી અહીં આપની સમક્ષ રજા આપશે. બીજા કુટુંબીજનો પણ આપશે. દીક્ષા વિના પોતાનો મોક્ષ અટકતો નથી. પણ ગુરુદેવ ! મોક્ષમાર્ગનો ધોરી ચીલો ચાલુ રાખવામાં જેમ શ્રાવક શ્રાવિકાઓ રૂપી હાથપગ જરૂરી છે, તેમ મસ્તક, હૃદયરૂપી સાધુ સાધ્વીઓ પણ જરૂરી છે જ ને ! આ સાંભળી ગુરુદેવ પુલકિત હૈયે શિષ્યના મસ્તક ઉપર હાથ મૂક્યો. નાગરના અંતરમાંથી વાણી સરી પડી, “પિયાલો મને પાયો રે, સદ્ગુરુએ શાન કરી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org