________________
૧૨૮
શ્રી અજરામરજી સ્વામી ભવિષ્યમાં સાંપ્રદાયિક વ્યવસ્થા સુસ્થિત થશે, માટે આ કલમો તો પળાવવી જ જોઈએ.” એકએકને જુદી જુદી રીતે સુધારણાનું મહત્ત્વ અને બત્રીસ કલમોની શ્રેષ્ઠતા ઠસાવવા બનતો પ્રયત્ન કર્યો પણ તે વાત ગમે તે કારણને લીધે મગજમાં ઊતરી નહિ ત્યારે પહેલે માર્ગે નિરુપાય બની, બીજો માર્ગ લેવા શેઠે અંતિમ નોટિસ આપી કે, “સર્વના હિત માટે બાંધેલા સુધારણાના નિયમો પાળવા આપનું અંતઃ કરણ હા ભણતું હોય તો આપ સર્વ અમારા શિરછત્ર છો નહિ તો એમને એમ ચલાવવા અમારું અંતઃકરણ અમને ના પાડે છે. અમને કોઈ જાતનો પક્ષપાત નથી કે કોઈની સાથે સગપણ નથી, અમે માત્ર ગુણના ગ્રાહક છીએ અને અમારો તમારો ગુણનો જ સંબંધ છે. ગુણને લીધે જ પૂજ્ય પૂજક ભાવ બંધાયેલો છે. સાધુ અને શ્રાવકની પરસ્પર પિતાપુત્રની ભાવના હોવી જોઈએ. શ્રાવકની ભૂલ હોય તો સાધુ ચેતવે અને સાધુની ભૂલ હોય તો હિતબુદ્ધિથી શ્રાવક નિવેદિત કરે. ચતુર્વિધ સંઘની અધઃ સ્થિતિ અટકાવવા આપનો પ્રયત્ન કદાચ કમ હોય તો અમારે તેવી ખામીઓ આપની રૂબરૂમાં દર્શાવવી અને જો તે વાત ન રુચતી હોય તો પણ પરાણે રચાવવી એ અમારી ફરજ છે અને તે અદા કરવા ફરીથી પણ નમ્રતાપૂર્વક આપને અરજ કરીએ છીએ કે એકદેશી વિચાર કે કદાગ્રહને છોડી શ્રેયની વાત માન્ય રાખો.'
એ પ્રમાણે બહુવાર નમ્ર આજીજી કરી પણ તે વાત ગ્રાહ્ય થઈ નહિ. પરિણામ જુદું જ આવ્યું. ઘણા સાધુઓ આ વિચારથી છૂટા પડી ગયા. કાંઈક અભિમાનની શ્રેણી ઉપર ચડી જવાનું પગલું આ પરિણામને વિશેષ આભારી હતું. માનવૃત્તિ માણસને સારાસારના વિચાર ઉપર જવા દેવી નથી. શ્રેયાશ્રેયનો ખ્યાલ બાંધવા જેટલી ધીરજનું ખર્ચ કરવામાં તે આડે આવે છે. હિતના માર્ગમાં અહિતનું વિપર્યાસ કરાવે છે અને સમાજને ઊથલપાથલ કરી નાખે છે.
મોટા સાધુઓના મનમાં એવો ખ્યાલ બંધાઈ ગયો કે આજકાલની દીક્ષાવાળા સાધુ ધારા બાંધે અને તેની સત્તાથી અમે તેને અમલમાં લાવીએ ત્યારે અમારી તો કાંઈ કિંમત જ નહિ ? ધારા પાળવા હશે તો ક્યાં અમને બાંધતા આવડતા નથી ? આવા ખ્યાલથી સાધુ સમાજમાં મોટો વિક્ષેપ પડી ગયો. લીંબડીનો ઉપાશ્રય અને સંપ્રદાય ભલે શેઠ સંભાળે, એવા વિચાર ઉપર તેઓ આવી ગયા; તે વખતે પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીએ ઘણી નમ્ર વિનંતી સાથે આજીજી કરી પણ બહાર નીકળી ગયેલી તલવાર પાછી મ્યાનમાં આવી નહિ. એક વસ્તુના અનેક છતાં નાની વાતના મમત્વમાં કામ આગળ વધી ગયું, જેનું પરિણામ કેવું આવ્યું તે નીચે વાંચવાથી ખ્યાલ આવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org