________________
૨૬O
શ્રી રત્નચન્દ્રજી સ્વામી
'ભારતરત્નની માનાર્ય પદવી
એકદા દિલ્હીમાં અવધાનનો જાહેર સમારંભ થયો હતો. તેમાં સર્વ જ્ઞાતિના લોકો આવ્યા હતા. મુસલમાન વિદ્વાનો પણ તેમાં હતા. તે સર્વે તેમના અવધાનો જોઇને પ્રસન્ન થયા હતા અને ત્યાં શ્રી રત્નચન્દ્રજી મ. ને “ભારત રત્ન” નો સર્વોચ્ચ ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. આ પદવીદાન દિલ્હીની જનતાના ગુણાનુરાગનું દ્યોતક હતું પરંતુ શ્રી રત્નચન્દ્રજી મહારાજે એ ગુણાનુરાગીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “આ પદવીદાનથી તમે મને આગળ વધતો અટકાવો છો. જ્ઞાન અગાધ છે. તેનો કદી કોઈ પાર પામી શક્યું નથી કે શકવાના નથી. મારામાં કોઈ એવી અપૂર્વતા નથી કે આવા પદવીદાનને પાત્ર હોઉં. આજે તમે બધા સર્વ ધર્મોના તથા સર્વ કોમોના ભાઇઓ એકત્ર થઈને ભ્રાતૃભાવપૂર્વક બેઠા છો એ ભ્રાતૃભાવ જ મારે મન સાચો મૂલ્યવાન ગુણ છે. એક ગુણનું તમે હંમેશા સેવન કરશો અને દર્શન કરાવશો તો હું આવા પદવીદાન કરતાં પણ વધારે મૂલ્યવાન સમજીને પ્રસન્ન થઈશ.”
સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં લક્ષ્મી
પંજાબના વિહાર દરમ્યાન મુનિશ્રીને ત્યાંના જૈન ગૃહસ્થો તથા ત્યાગીઓના અનેક વિવિધતાયુક્ત અનુભવો થયા હતા. એ અનુભવો તેમના ગ્રંથ લેખનને કંઈક જુદી દિશામાં પ્રેર્યું હતું. “સૃષ્ટિવાદ અને ઇશ્વર' ગ્રંથ લખવાની પ્રેરણા તેમને ત્યાંથી મળી. એ જ રીતે તે પ્રાંતના સાધુઓની જે સાંપ્રદાયિકતા અને સંકુચિતતા પ્રવર્તતી હતી તેને લીધે શ્રાવકોમાં પણ કુસંપ પ્રવેશેલો તેમણે જોયો. ગૃહસ્થોમાંથી કુસંપ દૂર કરવાનો યત્ત કરતાં વચ્ચે સાધુઓની સાંપ્રદાયિકતા આડે આવતી અને સાધુઓમાં એકતા કરવા જતાં કાંઇ ને કાંઈ તકરારો બહાર નીકળી પડતી. એ તકરારોને દૂર કરવા માટે પણ એકતાના ઇચ્છુક શ્રી રત્નચન્દ્રજી મ. અનેક સ્થળે પ્રયત્નો કર્યા હતા. એ પ્રયત્નોને કોઈ સ્થળે સફળતા મળતી તો કોઈ સ્થળે નિષ્ફળતા પણ મળતી.
દિલ્હીથી વિહાર કરીને શ્રી રત્નચન્દ્રજી મ. ત્રણ દિવસમાં ૪ર માઇલનો વિહાર કરીને રોહતક પહોંચ્યા. રસ્તામાં એક ગામમાં આર્ય સમાજીઓનો એક સમારંભ જોયો. ત્યાંના કેટલાક જૈનો આર્યસમાજી થયા હતા. રત્નચન્દ્રજી મ. તેનું કારણ જાણ્યું કે આર્યસમાજીઓએ ગામડામાં શાળાઓ સ્થાપીને વિદ્યાર્થીઓને ભણાવવાનો જે પ્રબંધ કર્યો હતો તેથી લલચાઈને જૈનો આર્ય સમાજમાં દાખલ થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org