________________
આ છે અણગાર અમારા
૯૭
આવી રીતે પોતાના ઉપકારીનો વિનય કરીને તેઓ નીકળ્યા. સોળમાં વર્ષે ૧૭ જણાની સાથે વિક્રમ સંવત ૧૭૧૬ના આસો સુદિ-અગિયારસના · અમદાવાદમાં આવી પાદશાહ વાડીમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા સ્થળે તેઓ ત્રણ દિવસ સુધી અઠ્ઠમ તપ કરીને રહ્યા. ચોથે દિવસે ગામમાં ગોચરી માટે નીકળ્યા. ગવેષણા કરતાં કરતાં એક કુંભારના ઘેર જઈ ચડ્યા. તે વખતે કુંભારને ત્યાં પતિ-પત્નીને કોઈ કારણસર ઝઘડો થયેલો. તે જ અરસામાં આ નવદીક્ષિત મુનિ આવવાથી ક્રોધમાં તે કુંભારણે શ્રી ધર્મદાસજી સ્વામીના
પાત્રામાં રાખ નાખી. પવનના કારણે તે રાખ થોડી પાત્રામાં પડી બાકીની ચારે બાજુ ઊડી. ત્યાર પછી બીજા ઘરેથી છાશ મળી. બન્ને મિશ્ર કરી પારણું કર્યું.
બીજે દિવસે નવદીક્ષિત શ્રી ધર્મદાસજી સ્વામી પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં તેમણે આગલા દિવસે પોતાને ભિક્ષામાં મળેલી રાખની વાત કરી. તેમણે કહ્યું, “અહો મહાભાગ ! તમે ખરેખર પુણ્યશાળી છો.’’ પ્રથમ જ પારણે મળેલી રાખ ભાગ્યોદયની નિશાની સૂચવે છે. રાખ એ શુભસૂચક ચિહ્ન હોવાથી તમે વીતરાગ માર્ગને દીપાવશો. વળી જે રાખ હવાને લીધે ચોતરફ ઊડી તેથી તમારો પરિવાર ચારે તરફ વિસ્તાર પામશે. ઉપરાંત તમે રાખને છાશ સાથે મેળવીને પી ગયા તે એમ સૂચવે છે કે છાશનો ગુણ ખટાશવાળો હોવાથી પ્રાયઃ તમારા મુનિઓ ખટાશવાળા એટલે પ્રકૃતિમાં જલદ થશે. જેમ રાખના રજકણો જુદાં જુદાં છે તેમ તમારો પરિવાર એકત્ર નહિ રહે, પરંતુ ભિન્ન ભિન્ન અનેક પેટા સંપ્રદાયોમાં વહેંચાઈ જશે.
આ સાંભળી ધર્મદાસજી મહારાજે એવો જ એક પ્રશ્ન ધર્મસિંહજી મહારાજને કર્યો કે આપને પ્રથમ પારણે શું મળ્યું હતું ? અને તેનો આપ કેવો નિર્ણય બાંધ્યો છે ? ત્યારે ધર્મસિંહજી મહારાજે કહ્યું કે, “મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે છઠ્ઠ કર્યો હતો, તેના પારણે મને ચુરમાના લાડવાની ભિક્ષા મળી હતી, તેથી જેમ લાડુ પાત્રામાં પડતાં જ એક ઠેકાણે ચોંટી ગયો તેમ મારો પરિવાર વધુ વિસ્તાર ન પામતાં અમુક સ્થળમાં જ સંગઠિતરૂપે રહેશે.” આમ પરસ્પર વાર્તાલાપથી બન્નેને ખૂબ આનંદ થયો અને બન્ને જુદા પડ્યા.
પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજની ભવિષ્યવાણી સાચી પડી, કેમ કે પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજનો પરિવાર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા વગેરે ઘણા પ્રાંતોમાં ફેલાઈ ગયો અને તેના જુદા જુદા વિભાગ પણ ઘણા થઈ ગયા. જ્યારે પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજનો પરિવાર (દરિયાપુરી સં.) ફક્ત ગુજરાત તથા ઝાલાવાડના અમુક ભાગમાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org