________________
યોગદર્શનમાં બ્રહ્મચર્યના પરમ લાભના વિષયમાં કહ્યું છે -
બ્રહ્મચર્ય પ્રતિષ્ઠયાં વીર્ય નમ:' જ્યારે સાધકમાં બ્રહ્મચર્યની પૂર્ણતઃ સુદઢ સ્થિતિ થઈ જાય છે, ત્યારે એના મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીરમાં અપૂર્વ શક્તિનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. બ્રહ્મચર્ય શક્તિનો મૂળ સ્ત્રોત છે, જીવનની આધારશિલા છે. તેથી કહ્યું છે કે -
"मरणं बिन्दुपातेन, जीवनं बिन्दू धारणात्" મહાપુરુષોએ બ્રહ્મચર્યને જીવન અને અબ્રહ્મચર્યને મૃત્યુ કહ્યું છે. બ્રહ્મચર્ય અમૃત છે, અબ્રહ્મચર્ય વિષ (ઝેર) છે. બ્રહ્મચર્ય શાંતિનો સ્ત્રોત છે, જ્યારે વાસના અશાંતિ તથા દુઃખનો અપાર સાગર છે. બ્રહ્મચર્યનો શુદ્ધ પ્રકાર છે, જ્યારે વાસના કાલિમા (કલંક) છે. બ્રહ્મચર્ય ઉત્તમ તપ-નિયમ વગેરેનું મૂળ છે, જ્યારે અબ્રહ્મચર્ય અજ્ઞાન, ભ્રમ, અશ્રદ્ધા, ભોગ અને રોગનું મૂળ છે.
મનુષ્યનું જીવન એટલું મૂલ્યવાન છે કે એનાથી સ્વર્ગની ખેતી થઈ શકે છે, હીરાઝવેરાત પેદા કરી શકાય છે. બ્રહ્મચર્ય એક એવી સાધના છે, જેનાથી તન પણ શક્તિશાળી બને છે, મન પણ બળવાન બને છે અને આત્મા પણ બળવાન બને છે. બ્રહ્મચર્ય અંદર અને બહાર બંને સાધનોને ઠીક (બરાબર) રાખે છે. જ્યારે બહારનાં સાધનો પોલાં થઈ જાય છે ત્યારે અંદરનાં સાધનો પણ કામ નથી આપતાં - ન પવિત્ર તથા ઊંચા (ઉત્તમ) વિચારો આવે છે, ન વાણી વજનદાર થાય છે, ન આચરણના ક્ષેત્રમાં પગ ચાલે છે. જીવન સૂનું સૂનું અને ભારભૂત લાગવા માંડે છે - બ્રહ્મચર્યના અભાવમાં. માનવશરીર વાસનાઓની આગમાં પડીને નષ્ટ કરવા માટે નથી, વિવેકભ્રષ્ટ થઈને વિકારોના ઉત્પથ ઉપર દોડવા માટે પણ નથી, પણ સર્વેન્દ્રિય સંયમ દ્વારા ઉત્તમોત્તમ આત્મગુણોનું ઉપાર્જન કરવા માટે છે. આ જ સોનાની ખેતી છે અને રત્નોની ખાણ છે. - બ્રહ્મચર્યની નિષ્ઠા પ્રાપ્ત કરવાથી વીર્ય(શક્તિ)નો લાભ તો થાય જ છે, મનુષ્ય પણ દેવત્વ (દિવ્યતા) પ્રાપ્ત કરી લે છે. બ્રહ્મચર્ય સાધના પરિપક્વ થઈ જવાથી પરમગતિની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ બ્રહ્મચારી માટે સંસારમાં કંઈ જ અસાધ્ય નથી. તે હિમાલયને હલાવી શકે છે, આંધીને પકડી શકે છે, તોફાનને રોકી શકે છે. બ્રહ્મચર્યનો મહિમા અપાર છે. દેવોની શક્તિ, ઋદ્ધિ અને ચમત્કાર અચિંત્ય છે, પરંતુ તે પણ બ્રહ્મચારી સામે નતમસ્તક થઈ જાય છે. “જૈનશાસ્ત્ર' કહે છે -
"देवदाणव गंधव्वा, जक्ख-रक्खस किन्नरा । बंभयारिं नमसंति, दुक्करं जे करेंति ते ॥"
- ઉત્તરા, અ-૧૬, ગા-૧૬ જે મહાન આત્મા દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, એનાં ચરણોમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર વગેરે દેવ ભકિતપૂર્વક નમસ્કાર કરે છે. (૦૦૦ , , , , , , જિણધમો)