________________
(૮) નિકાચનાકરણ : જે કર્મદલિક બધા પ્રકારના કરણોના અયોગ્ય હોય અને જે રૂપમાં, જે સ્થિતિમાં, જે રસમાં કે જેટલા પ્રદેશોના પરિણામના રૂપમાં બાંધ્યો હોય, એ જ રૂપમાં જે અવશ્ય જ વેદ્ય હોય છે, જેમાં પરિવર્તનની કોઈ શક્યતા નહોતી રહેતી, જે ભોગવવાથી જ છૂટી શકે છે, અન્યથા નહિ, તે નિકાચિત કર્મ છે. જેમ તારમાં પરોવાયેલી સોયોને તપાવીને ઘણથી કૂટી દેવાથી તે પિંડરૂપ અને દઢ બંધનરૂપ થઈ જાય છે, એ જ રીતે કર્મોની અત્યંત ગાઢરૂપતાને નિકાચિતબંધ કહે છે. અધ્યવસાયોના કારણે કર્મોમાં એવી ગાઢરૂપતા પેદા કરવી નિકાચનાકરણ છે.
કર્મોનો વિષય ખૂબ જ ઊંડો અને વિસ્તૃત છે. શાસ્ત્રકારો અને ગ્રંથકારોએ આ વિષયમાં ખૂબ જ સૂક્ષ્મતા અને વ્યાપકતાની સાથે જાણકારી આપી છે. જિજ્ઞાસુઓને કર્મસંબંધી વિશેષ જાણકારી કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ વગેરે ગ્રંથોથી કરવી જોઈએ.
જો કે સમસ્ત આસ્તિક દર્શનોએ કોઈ ને કોઈ રૂપમાં કર્મની સત્તાનો સ્વીકાર કર્યો છે, છતાં જૈન ધર્મ અને દર્શને કર્મનું ખૂબ જ વિસ્તાર સાથે તથા સૂક્ષ્મતાથી સાંગોપાંગ નિરૂપણ કર્યું છે. જૈન મહર્ષિઓ અને મનીષીઓએ કર્મ-સિદ્ધાંતનું ખૂબ જ ગંભીરતા સાથે ચિંતન કર્યું છે. એક દૃષ્ટિથી જો એ કહેવામાં આવે કે જૈન ધર્મનો ભવ્ય પ્રાસાદ કર્મ-સિદ્ધાંત ઉપર આધારિત છે, તો કોઈ અતિશયોક્તિ નહિ કહેવાય. કર્મબંધનના પરિજ્ઞાનથી લઈને કર્મમુક્તિની પ્રક્રિયાનું વિવેચન જ જૈનસાધનાના પ્રતિપાદનની ચરણ પરિણતિ છે. મુખ્યત્વે જૈન તત્ત્વજ્ઞાન જીવ અને કર્મના સંબંધની વિવિધ અવસ્થાઓનું નિરૂપણ જ છે. જેન-સિદ્ધાંતસંમત નવતત્ત્વો જીવ અને કર્મના સંબંધ ઉપર જ આધારિત છે. તેથી કર્મવાદને આપણે જૈન ધર્મના પ્રાણભૂત તત્ત્વ કહી શકીએ છીએ.
કર્મવાદ આત્માના અનંત સામર્થ્યનો ઉદ્ઘોષક છે. તે આત્માને પરમાત્માના હાથોનું રમકડું માત્ર નથી માનતો. આત્મા પોતાના વિકાસ અને પતન માટે સ્વતંત્ર છે. પોતાના પૌરુષથી તે કર્મબંધનોને તોડીને પરમાત્મા બની શકે છે. જૈન સિદ્ધાંતનો કર્મવાદ આત્માને પરમાત્મા બનવાનો માર્ગ દેખાડે છે. જૈન સિદ્ધાંત આ વાતને નથી માનતો કે કોઈ સર્વશક્તિમાન ઈશ્વર આ સૃષ્ટિનું સર્જન અને સંહાર કરે છે. એ અનુસાર આ આખું જગત અનાદિકાળથી એવું જ ચાલી આવી રહ્યું છે અને ચાલતું રહેશે. જીવ અને કર્મનો સંબંધ જ જગતનું સંચાલન કરે છે, કોઈ ઈશ્વર એમાં હસ્તક્ષેપ નથી કરતો. આમ, કર્મવાદનો સિદ્ધાંત જીવોને પોતાનો વિકાસ સ્વયં કરવાની પ્રેરણા આપે છે. આત્મા જ પોતાના ઉત્થાનનો માર્ગ પ્રશસ્ત કરે છે. આત્મા વિભાવ-પરિણત થઈને પોતાની દુર્દશા કરી લે છે, અને એ જ જ્યારે સ્વભાવ-પરિણત થાય છે અને રાગ-દ્વેષ રહિત થઈને સમ્યક પ્રવૃતિ કરે છે તો કર્મોનાં બંધનોને તોડીને મુક્ત થઈ જાય છે, સિદ્ધ-બુદ્ધ થઈ જાય છે તથા આત્માથી પરમાત્મા બની જાય છે. તેથી કર્મનાં બંધનોને તોડવાનો પ્રયાસ કરવો જોઈએ. [ અનુભાગબંધ
થ૦૧૫