Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 526
________________ સાંખ્યદૃષ્ટિથી બંધનનું કારણ અવિદ્યા છે. પુરુષ સ્વયંને ભૂલીને પ્રકૃતિ કે એની વિકૃતિને આત્મ સ્વરૂપ સમજવા લાગે છે, એ જ સૌથી મોટું અજ્ઞાન છે. જ્યારે પુરુષ અને પ્રકૃતિની વચ્ચે ભેદજ્ઞાન હોય છે, અર્થાત્ “હું પુરુષ છું, પ્રકૃતિ નથી' ત્યારે એનું અજ્ઞાન નષ્ટ થાય છે અને તે મુક્ત થઈ જાય છે. સાંખ્યદૃષ્ટિથી પુરુષ નિત્ય મુક્ત છે. વિવેક જ્ઞાનનો ઉદય થવાથી પહેલાં પણ તે મુક્ત હતો. વિવેક જ્ઞાનનો ઉદય થવાથી એનો અનુભવ થાય છે કે એ તો ક્યારેય બંધનમાં નહોતો પડ્યો, એ તો હંમેશાં મુક્ત જ હતો, પરંતુ એને આ તથ્યનું પરિજ્ઞાન નહોતું. કેવલ્ય બીજું કંઈ જ નથી, એના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે. સાંખ્યદર્શન કહે છે કે - “જેમ નૃત્યાંગના રંગમંચ ઉપર પોતાનું નૃત્ય બતાવીને નિવૃત્ત થઈ જાય છે, એ જ રીતે પ્રવૃત્તિ પણ પુરુષને ભેદજ્ઞાન પ્રાપ્ત થતાં જ નિવૃત્ત થઈ જાય છે. આ જ મોક્ષ છે.” સાંખ્યદર્શનનો સાર એ છે કે - “આત્મ નિર્ગુણ છે, અકર્તા છે, ઔપચારિક ભોક્તા છે. એનો ન બંધ થાય છે અને ન મોક્ષ. પ્રકૃતિ જ બંધાય છે અને મુક્ત થાય છે.” ઉક્ત મંતવ્યને જ્યારે બુદ્ધિની કસોટી પર જોતાં એ યુક્તિસંગત પ્રતીત નથી થતું. કારણ કે જો આત્મા નિષ્ક્રિય છે, કંઈક કરતો નથી, ન તે બંધાય છે અને ન મુક્ત થાય છે, તો પછી જપ-તપ-યોગ-સાધના વગેરેની ઉપયોગિતા જ શું છે? આત્મા તો મુક્ત છે જ, પછી સાધના શા માટે ? પુરુષ ચેતન છે અને પ્રકૃતિ જડ છે. પુરુષ ચેતન થઈને પણ જાણતો નથી અને બુદ્ધિ (પ્રધાન) જડ થવા છતાંય પદાર્થોને જાણે છે. બંધ અને મોક્ષ ચેતનરૂપ પુરુષનો ન થઈને જડ રૂપ પ્રકૃતિનો થાય છે, એ બધી માન્યતાઓ વિરોધી પ્રતીત થાય છે. જો આત્માને વાસ્તવિક બંધ-મોક્ષ ન થતો હોય તો આત્માને કોઈ પ્રકારના પ્રયાસની આવશ્યકતા જ નથી, સંભવતઃ તેથી સાંખ્યોએ આત્માને અકર્તા કહ્યો છે. જૈન-દૃષ્ટિ કહે છે કે - “આત્મા કર્મોનો કર્તા છે અને એનાં શુભાશુભ ફળોનો ભોક્તા પણ છે. રાગ-દ્વેષની પરિણતિથી આત્મા બંધનને પ્રાપ્ત થાય છે અને પોતાના પુરુષાર્થથી કર્મ-બંધનોને તોડીને મુક્ત પણ થાય છે. તેથી આત્મા કર્તા છે, ભોક્તા છે અને બંધ-મોક્ષ પણ એનો જ થાય છે.” કેવલાદ્વૈતી શંકર કે અણજીવવાદી રામાનુજ તથા વલ્લભ - એ બધા મુક્તિદશામાં ચૈતન્ય અને આનંદપૂર્ણ પ્રકાશ પોત-પોતાની દૃષ્ટિથી સ્વીકાર કરે છે. બધા ઔપનિષદિક દર્શન મુક્તિ અવસ્થામાં શુદ્ધ ચેતના રૂપમાં બ્રહ્મતત્ત્વ કે જીવતત્ત્વનું અવસ્થાને સ્વીકાર કરે છે. બૌદ્ધદર્શનઃ અન્ય દર્શનોએ જેને મોક્ષ કહ્યો છે, એને બૌદ્ધદર્શને નિર્વાણની સંજ્ઞા આપી છે. બુદ્ધના અભિમતાનુસાર જીવનનું ચરમ લક્ષ્ય દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે, અથવા નિર્વાણ છે. [ મોક્ષ તત્ત્વ : એક વિવેચન ૧૦૨૯)

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530