________________
પોતાના તીર્થની હાનિથી કે દુનિયામાં વધનારાં પાપ કે અધર્મથી એનો કોઈ સંબંધ કેવી રીતે હોઈ શકે છે ? જેનાથી પ્રભાવિત થઈને પુનઃ સંસારમાં અવતાર લે. જેમ દગ્ધ કાષ્ઠ પુનઃ કાષ્ઠ નથી થતું, જેમ દગ્ધ બીજ અંકુરને પેદા નથી કરી શકતું, એ જ રીતે જે કર્મ અને રાગ-દ્વેષ એક વાર આત્યંતિક રૂપથી બળી ચૂક્યા છે, એમનાથી ભવરૂપી અંકુર કેવી રીતે પેદા થઈ શકે છે ? તેથી જૈનદર્શન અવતારવાદમાં વિશ્વાસ નથી કરતું, પણ ઉત્તારવાદમાં વિશ્વાસ કરે છે. એ અનુસાર વ્યક્તિ વિકારોથી મુક્ત થઈને સિદ્ધ બની શકે છે, પણ સિદ્ધ જીવ વિકારગ્રસ્ત થઈને સંસારમાં નથી આવી શકતો.
અહીં એ પ્રશ્ન ઊભો કરી શકાય છે કે અનંત કાળથી જીવ મોક્ષમાં જઈ રહ્યો છે અને અનંત કાળ સુધી જતો રહેશે, જો મુક્ત જીવોનું પુનઃ સંસારમાં આવવું ન માનવામાં આવે તો ક્યારેય એવી પરિસ્થિતિ બની શકે છે કે સંસાર ખાલી થઈ જાય અને સિદ્ધ-ક્ષેત્રમાં જગ્યા ન રહે. આ દોષના નિવારણ-હેતુ મુક્તિ-પ્રાપ્ત જીવોનું પુનરાગમન માનવું જોઈએ.
ઉક્ત પ્રશ્નનું સમાધાન એ છે કે કાળ પણ અનંત છે, સંસારવર્તી જીવ પણ અનંત છે અને મુક્તિ પ્રાપ્ત કરનારા પણ અનંત છે. સંસારવર્તી અનંત જીવોના અનંતકાળ સુધી મુક્તિમાં ચાલ્યા જવાથી પણ સંસારમાં અનંત જીવ જ રહે છે. અનંતમાંથી અનંત કાઢવાથી પણ અનંત જ બાકી રહે છે. કહ્યું છે - શૂન્યાશૂન્યમાવાય શૂન્યમેવાવતિષ્ઠતે' શૂન્યમાંથી શૂન્ય કાઢવાથી પણ શૂન્ય જ બાકી રહે છે. તેથી અનંત સંસારના ખાલી થવાનો સવાલ જ નથી ઊઠતો. બીજી વાત એ છે કે કાળ અનંત છે - અતીત પણ અને અનાગત પણ. આત્માઓ અનંત છે. અનંત અતીતમાં પણ આ વિશ્વ આત્માઓથી ખાલી નથી થયું તો અનંત ભવિષ્યમાં પણ તે ખાલી કેવી રીતે અને કેમ થશે ?
જેમ ભવિષ્યકાળનો એક ક્ષણ વર્તમાન બનીને અતીત બની જાય છે, પણ ભવિષ્ય જેમનો તેમ અનંત રહે છે. ભવિષ્યમાંથી અનંત ક્ષણ કાઢીને વર્તમાન બનીને અતીતમાં લીન થઈ રહ્યા છે, છતાં ભવિષ્ય જેમનું તેમ અનંત બન્યું રહે છે. એ ક્યારેય સમાપ્ત નથી થતું, એ જ રીતે વિશ્વાત્માઓ પણ અનંત છે, તેથી આ વિશ્વ ક્યારેય ખાલી નહિ થાય.
મુક્ત જીવ જ્યોતિમાં જ્યોતિની જેમ એકબીજામાં ઓતપ્રોત છે. જેમ એક દીવાના પ્રકાશમાં લાખો દીવાઓનો પ્રકાશ પણ સમાઈ જાય છે, એ જ રીતે જ્યાં એક સિદ્ધ છે, ત્યાં અનંત સિદ્ધ પણ સમાયેલા છે. તેથી ત્યાં જગ્યાની કમીની આશંકા નિર્મૂળ છે.
ઉક્ત દૃષ્ટિકોણને લઈને જૈન-સિદ્ધાંત અવતારવાદનો નિષેધ કરે છે અને ઉત્તારવાદનું સમર્થન કરે છે. જૈન પરંપરા અનુસાર આત્મા વિકૃતિથી સંસ્કૃતિમાં અને સંસ્કૃતિથી પછી પ્રકૃતિ(સ્વભાવ)માં પહોંચી જાય છે, ત્યારે વીતરાગ આત્મા સિદ્ધ બની જાય છે. રાગ-દ્વેષ વગેરે વિકારોનો સર્વથા અભાવ થવાથી એને પછી સંસારમાં આવવાનું કોઈ કારણ નથી રહેતું. તે શિવ, અચળ, અનુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ રૂપ સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરીને અનંત કાળ સુધી શાશ્વતરૂપથી જીવઘન, જ્ઞાનઘન અને આનંદઘન થઈને અવ્યવસ્થિત રહે છે. એ જ શાશ્વત મુક્તિ છે.
जैनं जयतु शासनम्
મોક્ષ તત્ત્વ : એક વિવેચન
૧૦૩૧