________________
વિકારોત્તેજક સ્ત્રી કથાથી સર્વથા દૂર રહેવું જોઈએ. એવું કરવાથી જ સાધક બ્રહ્મચર્ય વ્રતમાં અડોલ અને સ્થિર રહી શકે છે.
(૨) સ્ત્રી રૂપ વિરતિ ભાવના : બ્રહ્મચર્યનાં ઘાતક તત્ત્વોનો બીજો મોરચો છે - નારીના રૂપને આસક્તિપૂર્વક જોવું, એનું ચિંતન કરવું અને વાણી દ્વારા કથન કરવું. અણગાર સાધકે સ્ત્રીનાં રૂપ-લાવણ્ય વગેરેને રાગ ભાવનાપૂર્વક જોવાથી બચવું જોઈએ. આ રીતે સ્ત્રીઓનું મધુર હાસ્ય (મુસ્કાન), વિકારયુક્ત વચન, અંગ-પ્રત્યંગોની ચેષ્ટાઓ, કટાક્ષથી નિરીક્ષણ, આંખોનો વિલાસ, મદમસ્ત ચાલ, ક્રીડાઓ, કામોત્તેજક સંભાષણ, નૃત્ય ગીત, વાઘવાદન, શરીરની લંબાઈ, જાડાઈ, રંગ, લાવણ્ય, રૂપ, યૌવન, સ્તન-અધર, વસ્ત્રાલંકાર, શૃંગાર પ્રસાધન વગેરેને બ્રહ્મચર્યના સાધક મુનિ આંખોથી જોવાની ઇચ્છા ન કરે, ન મનથી એમનું ચિંતન કરે અને ન વાણીથી એનું વર્ણન કરે. તાત્પર્ય એ છે કે કામવિકાર પેદા કરનારી જેટલી પણ ચીજો છે, એમનાં દર્શન, ચિંતન અને વર્ણનથી બ્રહ્મચારી સાધક સર્વથા બચે. આમ સ્ત્રી રૂપ વિરતિ નામની ભાવનાથી સાધકની અંતરાત્મામાં બ્રહ્મચર્યના સુદૃઢ સંસ્કાર બદ્ધમૂળ થઈ જશે અને સાધક બરાબર બ્રહ્મચર્યની સુરક્ષા કરી શકશે. આ ભાવનાની ઉપેક્ષા કરીને જો સાધક નારીઓનાં અગોપાંગોને રાગભાવથી જોશે તો એના બ્રહ્મચર્યનો ભંગ થશે, ચારિત્રનું ખંડન થશે અને તે કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ પણ થઈ જશે. આ અનિષ્ટકારી સંભાવનાને નિરસ્ત કરવા માટે અણગાર સાધકે સ્ત્રી રૂપ વિરતિ નામ ભાવનાનો નિરંતર અભ્યાસ કરીને બ્રહ્મચર્યની સાધનાને સુસ્થિર અને સુદૃઢ બનાવવી જોઈએ. આ સ્ત્રી રૂપ વિરતિ નામ બીજી ભાવના છે.
(૩) પૂર્વરત વગેરે સ્મરણ ત્યાગ ભાવના : અનેક વાર સાધકના સામે ન તો સ્ત્રી હોય છે અને ન કામોત્તેજક પદાર્થ. પરંતુ પૂર્વમાં ગૃહસ્થાવસ્થામાં કરવામાં આવેલી ક્રીડાઓ તથા કામસેવનની સ્મૃતિ થઈ જવાથી તે સાધક મનને વિકારી બનાવી લે છે. ક્યારેક રમત-ગમત, નટો, ભાંડો અને ખેલ બતાવનારાઓના અશ્લીલ દેશ્ય જોઈને, અશ્લીલ શબ્દોને જોઈને, અશ્લીલ શબ્દોને સાંભળીને તથા પૂર્વે જોએલ કે અનુભૂત વસ્તુઓનું સ્મરણ કરીને મનને મનાવે છે, પરંતુ આ અશ્લીલ મનોરંજન બહુ મોંઘું પડે છે. એની વર્ષોની કરાવેલી બ્રહ્મચર્યની સાધના એ મનોરંજનથી થોડી જ ક્ષણોમાં સમાપ્ત થઈ જાય છે. તેથી શાસ્ત્રકાર દિશાનિર્દેશ કરે છે કે - પહેલાં ગૃહસ્થાશ્રમમાં અનુભૂત કામક્રીડા, દ્યૂત વગેરે ક્રીડા તથા સાસરી પક્ષના સાળા-સાળી વગેરેથી થયેલા પરિચય, હાસ-પરિહાસનું સ્મરણ કરવું ઉચિત નથી. આમ, પૂર્વજીવનમાં વિવાહના સમયે કે અન્ય વિશિષ્ટ ઉત્સવોના પ્રસંગ પર શૃંગાર રસની ગૃહસ્વરૂપ, સુંદર વેશથી સુસજ્જિત, હાવભાવ-અંગ વિન્યાસ અને વિલાસપૂર્ણ ગતિથી શોભિત, અનુકૂળ પ્રેમવાળી સ્ત્રીની સાથે જે શયન-સહવાસ અનુભવ કર્યો હતો એનું સ્મરણ કરવું સાધુ માટે ખૂબ જ ઘાતક હોય છે. આમ, વિવિધ પ્રકારના ખેલ-રમતોવાળાના કે વાદ્ય વગાડનારાઓના કે નૃત્ય-ગીત કરનારાઓના અશ્લીલ મનોરંજનોને યાદ કરવા, એમને જોવા કે વર્ણન કરવા સાધુ માટે વર્જનીય છે.
૮૫૮
જિણધમ્મો