________________
અર્થાત્ (શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે) “મને શ્રમણ નિગ્રંથોને આધાકર્મ વગેરે સોળ ઉદ્ગમ દોષ અને અન્ય છવ્વીસ દોષ રહિત પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, પાત્ર, કામળો, પાદપોછન (રજોહરણ વગેરે), પીઠ (બેસવાનો નાનો પાટ), ફલક (સુવાના કામમાં આવનાર લાંબો પાટ), શય્યા (રોકાવાનું સ્થાન), સંસ્તારક (પાથરવા માટે દર્ભ વગેરે), ઔષધ અને ભેષજ - એ ચૌદ પ્રકારના પદાર્થ છે, જે એમના જીવનનિર્વાહમાં સહાયક છે, પ્રતિલાભિત કરતાં વિચરવા કલ્પ છે.”
ઉક્ત પ્રકારની પ્રતિજ્ઞા કરવી અતિથિ સંવિભાગ વ્રત છે.
દાનના ઉત્કૃષ્ટ પાત્ર મુનિ-મહાત્માઓને એમના કલ્પાનુસાર પ્રાસુક તથા એષણિક પદાર્થનું નામ એ જ શ્રાવક આપી શકે છે, જે સ્વયં પણ એવા પદાર્થો કામમાં લાવે છે. કારણ કે મુનિ-મહાત્મા એ જ પદાર્થ દાનમાં લઈ શકે જે દાનદાતાએ પોતાના કે પોતાનાં કુટુંબીઓ માટે બનાવ્યા છે. તેથી જે શ્રાવક અતિથિ સંવિભાગ વ્રતનું પાલન કરવા માટે મુનિને દાન આપવાની ઇચ્છા રાખતો હોય, એને પોતાનાં ખાન-પાન, રહેણી-કરણી વગેરે કામમાં એવી જ ચીજો લેવી જોઈએ, જેમાંથી મુનિ-મહાત્માઓને પણ પ્રતિલાભિત કરી શકાય. જે શ્રાવક એવું નથી કરતો તે દાન આપવાનો લાભ પણ નથી લઈ શકતો. ઉદાહરણ સ્વરૂપ કોઈ શ્રાવક પોતાના ખાવા-પીવામાં સચિત્ત તથા અપ્રાસુક પદાર્થ જ કામમાં લેતો હોય, રંગીન અને અતિ મહીન અથવા ચમકીલાં વસ્ત્રોનો ઉપયોગ કરતા હોય, અથવા ખુરશી - પલંગ, ટેબલ વગેરે એવી ચીજો જ ઘરમાં રાખતા હોય જે સાધુ-મુનિરાજોના ઉપયોગમાં નથી આવી શકતી તો તે શ્રાવક મુનિરાજોને અશન-પાન-ખાદ્ય, સ્વાઘ, વસ્ત્ર, પાત્ર, પાટ વગેરે કેવી રીતે પ્રતિલાભિત કરી શકે છે ? તેથી શ્રમણોના ઉપાસક શ્રાવકે આ વિષયમાં વિવેક અને ઉપયોગથી કામ લેવું જોઈએ.
દાન આપવાના ચાર અંગો :
અતિથિ સંવિભાગના માધ્યમથી દાન આપતી વખતે ચાર અંગોને ધ્યાનમાં રાખવા અનિવાર્ય બતાવવામાં આવ્યાં છે :
(૧) વિધિ, (૨) દ્રવ્ય, (૩) દાતા અને (૪) પાત્ર.
જેમ કે ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે -
‘વિધિ-દ્રવ્ય-વાતૃ-પાત્ર વિશેષાત્ તદ્વિશેષઃ’
અ.-૬, સૂત્ર-૭૪
ઉક્ત ચારેય અંગોથી યુક્ત દાન જ ઉત્કૃષ્ટ સુપાત્ર દાન થઈ (હોઈ) શકે છે. વિધિ શુદ્ધ દાન એ કહેવાય છે જે અભ્યુત્થાન, સત્કાર વગેરે વિધિપૂર્વક આપવામાં આવે. અવિધિપૂર્વક-તિરસ્કાર-યુક્ત દાન, દાન-ફળથી શૂન્ય થાય છે.
અતિથિ સંવિભાગ વ્રત
૮૫