________________
પ્રાપ્ત કર્યા વગર પુણ્ય બંધના ભયથી વ્રતોને સ્વીકાર ન કરવાથી તો પાપમાં જ પડવું પડશે. માત્ર સમ્યગ્ દર્શન અને સમ્યગ્ જ્ઞાનથી પરમ પદ પ્રાપ્ત નથી થઈ શકતું. એના માટે તો સમ્યક્ ચારિત્ર જ કાર્યકારી છે અને સમ્યક્ ચારિત્રનો પ્રારંભ વ્રતોથી જ થાય છે. એ વ્રત જ છે જે ઇન્દ્રિયોને વશમાં કરવામાં સહાયક હોય છે અને ઇન્દ્રિયોના વશમાં હોવાથી જ મનુષ્ય આત્માની તરફ સંલગ્ન થઈને પરમ પદ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. તેથી વ્રતોને અપનાવ્યા વગર સંસારસાગરને પાર નથી કરી શકાતો.
કેટલાક આચાર્યોનું મંતવ્ય છે કે વ્રતોના આસ્રવનો હેતુ બતાવવો ઉચિત નથી. એમનો અંતર્ભાવ તો સંવરનાં કારણોમાં હોય છે. જો કે સંવર નિવૃત્તિ રૂપ હોય છે અને વ્રતોમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે, છતાં એ વ્રત ગુપ્તિ વગેરે સંવરનાં સાધનોનાં પરિકર્મ છે. જે વ્યક્તિ વ્રતોમાં અભ્યસ્ત થઈ જાય છે તે સુખપૂર્વક સંવર કરે છે. તેથી ‘તત્ત્વાર્થ સૂત્ર'માં વ્રતોનું વર્ણન આસ્રવ કે સંવરમાં ન કરીને પૃથક્ રૂપથી કરવામાં આવે છે. ઉક્ત બંને મંતવ્યોનો નિષ્કર્ષ એ છે કે ભલે વ્રતોનો શુભ આસ્રવ માને કે સંવરના પરિકર્મ (સાધન) માને એમની ઉપાદેયતા હર હાલતમાં સિદ્ધ છે. વ્રતોને અંગીકાર કર્યા વિના સમ્યક્ ચારિત્રની સિદ્ધિ નથી થઈ શકતી, એ નિઃસંદેહ સત્ય છે.
કેટલાક સુવિધાભોગી સ્વયંને આત્મજ્ઞાની બતાવીને વ્રત વગેરેને વિષવત્ ત્યાજ્ય માનીને લોકોને વ્રત વગેરેથી વિમુખ બનાવવામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે એવું કરીને અવ્રતને જ ઉત્તેજન આપી રહ્યા છે. વ્રતોની વિમુખતાથી પરમ પદની પ્રાપ્તિ ક્યારેય નથી થઈ શકતી, તેથી વ્રતોની ઉપાદેયતા અને ગ્રાહ્યતા સંદેહાતીત સત્ય છે.
મહાવ્રતોની સંખ્યામાં ભેદ :
કાળના પ્રભાવ જીવોના પરિણામ, વિચારધારા, સ્વભાવ અને શરીર વગેરે અનેક વાતો ઉપર પડે છે. તથાવિધ કાળ વગેરેના પ્રભાવથી પ્રથમ તીર્થંકરના સમયના જીવ ઋજુ, જડ અને અંતિમ તીર્થંકરના સમયના જીવ વક્ર જડ હોય છે જ્યારે મધ્યવર્તી બાવીસ તીર્થંકરના સમયના જીવ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે. તેથી એમને લક્ષ્યમાં રાખીને તીર્થંકર દેવ એમના માટે અલગ-અલગ યમો(વ્રતો)નો ઉપદેશ કરે છે. મધ્યવર્તી તીર્થંકરોના સમયે ચાતુર્યામ ધર્મ હોય છે અને પ્રથમ-અંતિમ તીર્થંકરના સમયે પંચયામ ધર્મ હોય છે. ચાતુર્યામ ધર્મમાં બ્રહ્મચર્યને અપરિગ્રહ વ્રતમાં સમ્મિલિત કરી લેવામાં આવે છે, કારણ કે સ્ત્રી વગેરેને ગ્રહણ કરવાથી જ એનો ઉપભોગ થાય છે. તેથી પરિગ્રહની વિરતિથી અબ્રહ્મની વિરતિ પણ સમજી લેવામાં આવે છે.પરંતુ વક્રજડ લોકો માટે બ્રહ્મચર્યને અલગથી વ્રત બતાવીને એના મહત્ત્વને સમજાવવામાં આવ્યું છે, તેથી વ્રતોની સંખ્યામાં ભેદ હોવાથી પણ અભિપ્રાયમાં કોઈ અંતર નથી. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના કેશી-ગૌતમ સંવાદમાં આ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે.
૮૧૮
જિણઘો