________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
જૈન રામાયણ યુદ્ધકુશળ હનુમાનજીએ આવા ખડગના હુમલાઓ ઘણાય મારી હઠાવેલા હતા. તેમણે વજમુખના ખડગવાળા હાથને પોતાના એક હાથે પકડી રાખ્યો. અને બીજા હાથે ગદાનો એક ફટકો મારી, વજમુખના માથાને વધેરી નાંખ્યું.
કાર્યસિદ્ધિ માટે કૃતસંકલ્પ મનુષ્ય કાર્યસિદ્ધિના માર્ગમાં આવતાં વિદ્ગોને, જોશ અને ઝડપથી વિખેરી નાંખી, આગળ વધતો જાય છે, તે અકળાતો નથી, બેસી જતો નથી.
વજમુખ હણાયો. વજમુખની વીર પુત્રી લંકાસુંદરી.
લંકામાં જેમ લંકાસુંદરીના રૂપની બોલબાલા હતી તેમ તેના વિદ્યાબળની પણ મુક્તકંઠે પ્રશંસા થતી હતી. લંકાસુંદરીને “પોતાની' કરી લેવા અનેક રાક્ષસસુભટો અને કૂટનીતિજ્ઞો તલસતા હતા. પરંતુ હજુ સુધી કોઈ લંકાસુંદરીને પ્રાપ્ત કરી શક્યા ન હતા.
સંસારમાં મનુષ્ય જે ચાહે તે મેળવી શકે ખરા? છતાં ચાહેલી વ્યક્તિ કે વસ્તુ ન મળતાં મનુષ્ય પોતાની જાતને દુ:ખી માને છે!
લંકાસુંદરી પિતૃવધના સમાચાર મળતાં શોકથી વ્યાકુળ બની ગઈ. “પિતૃવધ કોણે કર્યો?' એ જાણવા અધીર બની ગઈ. પોતાની પ્રિય તીક્ષણ કટારી લઈ, લંકાસુંદરી મહેલની બહાર દોડી આવી. તેણે જોયું. અને સ્તબ્ધ બની ગઈ. વજમુખનું લોહી નીતરતું મડદું જમીન પર પડ્યું હતું અને એક વીરપુરૂષ રાક્ષસસુભટોને યમલોકમાં પહોંચાડી રહ્યો હતો.
લંકાસુંદરીએ વિદ્યાશક્તિનું જીવંતસ્વરૂપ ધારણ કર્યું. આકાશની જાણે વિદ્યુત! ઊછળી ઊછળીને તેણે હનુમાન પર પ્રહારો કરવા માંડ્યા. ક્ષણવારમાં હનુમાનજી આ અચાનકના આક્રમણથી બેબાકળા બની ગયા, પરંતુ તેમણે તરત પોતાની જાતને સંભાળી લઈ, વળતું આક્રમણ કરી દીધું. પરંતુ “સામે સ્ત્રી છે,” એવું વિચારને તેમણે યુદ્ધ કરવા માંડ્યું. લંકાસુંદરીએ આવાં ધીંગાણાં ઘણાં જોયેલા અને કરેલાં, પરંતુ હનુમાનજીની યુદ્ધકુશળતા, ચપળતા અને છટા જોઈને લંકાસુંદરી સ્તબ્ધ બની ગઈ.
હનુમાનજીએ લંકાસુંદરીનાં તમામ અસ્ત્રોને છેદી નાંખ્યાં. વિદ્યાશક્તિને પરાજિત કરી દીધી. અદ્યાપિ અપરાજિત લંકાસુંદરી પરાજિત બની. હનુમાનજીની શક્તિએ તેને પરાજિત કરી, “આ કોણ હશે?” લંકાસુંદરીએ હનુમાનજી તરફ દૃષ્ટિ કરી.
For Private And Personal Use Only