________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
જૈન રામાયણ
પર હેતના ફુવારા વરસાવી રહ્યું. સુગ્રીવ આદિનાં મન હર્ષવિભોર બની ગયાં
હતાં.
પૂર્વ દિશા લાલ-લાલ બની ગઈ.
સૂર્યના આગમનની એંધાણીઓ થઈ રહી અને લક્ષ્મણજીએ આંખો ખોલી. તેમણે વિશલ્યાને જોઈ.
વિશલ્યાનાં નયન હર્ષનાં અશ્રુથી છલોછલ ભરાઈ ગયાં. તેનું મુખ લાલઘૂમ થઈ ગયું.
લક્ષ્મણજી આળસ મરડીને ઊભા થયા. તેઓ શ્રી રામને ભેટી પડ્યા. સુગ્રીવે જયધ્વનિથી યુદ્ધભૂમિને ગજવી દીધી. સૈન્ય નાચવા લાગ્યું. સર્વત્ર આનંદ... આનંદ વર્તાઈ ગયો.
સૂર્યોદય થયો.
પણ આજે યુદ્ધ માટે રાવણ લંકાની બહાર નીકળ્યો જ નહીં. ભામંડલે શ્રી રામને નમન કરી કહ્યું :
‘હે કૃપાનિધિ, રાજા દ્રોણમેઘે આપણા પર અનંત ઉપકાર કર્યા છે. દેવી વિશલ્યાએ માત્ર લક્ષ્મણજીને જ નહીં, અમને સહુને નવજીવન આપ્યું છે. મહાદેવી સીતાના સૌભાગ્યને અખંડિત રાખ્યું છે.
એક મહત્ત્વની વાત હવે મારે પ્રકાશિત કરવી જોઈએ. દેવી વિશલ્યા એક સહસ્ર સખીઓ સાથે લક્ષ્મણજીને વરી ચૂકી છે. રાજા દ્રોણમેઘે લક્ષ્મણજી સાથે વિશલ્યાનું લગ્ન કરવાનું કહ્યું છે. અમે એ વચનથી બંધાઈને આવ્યા છીએ.'
શ્રી રામ પ્રફુલ્લિત થઈ ગયા.
‘હું સૌમિત્રીને આજ્ઞા કરું છું, તે વિશલ્યાસહિત એક સહસ્ર કન્યાઓનું પાણિગ્રહણ કરે.’
લક્ષ્મણજીએ મૌન રહી, પોતાની અનુમતિ આપી.
યુદ્ધની છાવણી લગ્નમહોત્સવની ધામધૂમથી ગાજી ઊઠી. લગ્નની શરણાઈઓ બજી ઊઠી. વિદ્યાધર રાજાઓએ ભવ્ય મહોત્સવ ઊજવ્યો અને વિશલ્યાનું, એક હજાર કન્યાઓ સાથે લક્ષ્મણજીએ પાણિગ્રહણ કર્યું.
લંકામાં લક્ષ્મણજીના પુનઃ જીવનના સમાચાર ફેલાઈ ગયા. પેલી અવલોકિની વિદ્યાધરીએ સીતાજીને આ શુભ સમાચાર પહોંચાડ્યા.
સીતાજીએ ત્યારે કેવો હર્ષ અનુભવ્યો હશે?
For Private And Personal Use Only