________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૧૪
અનુભવી રહ્યા હશે. હે મહાસતી, તું નિશ્ચિત અને નિર્ભય બનીને, પુંડરીકનગરીમાં ચાલ, મારા ભાગ્યોદયથી જ આ ભીષણ વનમાં મને તારા જેવી ભગિની મળી ગઈ.’
વજંઘ રાજાનાં વચનોએ સીતાજીના વ્યથિત હૃદયને અપૂર્વ આશ્વાસન આપ્યું. તેણે ગર્ભસ્થ જીવોના હિત માટે પણ પુંડરીકનગરીમાં જવાનું હિતાવહ માન્યું. તેમણે સંમતિ આપતાં, તરત જ શિબિકા તૈયાર કરવામાં આવી. સીતાજીને બહુમાનપૂર્વક શિબિકામાં આરૂઢ કરવામાં આવ્યાં. રાજા વજંઘે પુંડરીકનગરી તરફ પ્રયાણ આરંભી દીધું.
સેનાપતિ કૃતાંતવદન અયોધ્યા પહોંચ્યા. શ્રી રામને પ્રણામ કરી કહ્યું :
‘હે દેવ, ‘સિંહનિનાદ' નામના વનમાં મેં દેવી સીતાનો ત્યાગ કર્યો છે. ત્યાગ કરીને, સીધો અહીં આવ્યો છું. દેવી સીતા વારંવાર મૂચ્છિત થઈ જતાં હતાં અને વારંવાર ચેતના પ્રાપ્ત કરતાં હતાં. જેમતેમ કરીને ધૈર્ય ધારણ કરીને, તેમણે આ પ્રમાણે સંદેશ આપ્યો છે : કયા નીતિશાસ્ત્રમાં કે કયા દેશમાં આવો આચાર છે કે એક પક્ષે કરેલા દોષારોપણથી બીજા પક્ષને સાંભળ્યા વિના શિક્ષા કરવી? સદૈવ વિચાર-વિવેકસંપન્ન એવા આપે આ કાર્ય અવિચારી કર્યું છે. એમાં દોષ મારા દુર્ભાગ્યનો છે. આપ સદૈવ નિર્દોષ છો. પરંતુ હે નાથ, હે જેવી રીતે ખલ-પુરુષોએ કરેલા પ્રવાદથી નિર્દોષ એવી પણ મારો ત્યાગ કર્યો તેવી રીતે મિથ્યાદષ્ટિઓની વાણીથી આર્દતધર્મનો ત્યાગ ન કરશો.' આ પ્રમાણે સંદેશ આપી, દેવી સીતા મૂચ્છિત થઈને, ધરણીતલ પર ઢળી પડ્યાં હતાં. વનના શીતલ પવનથી મૂર્છા દૂર થતાં ઊભા થઈને, તેઓ કરુણ સ્વરે વિલાપી ઊઠ્યાં હતાં કે ‘મારા વિના રામ કેવી રીતે જીવી શકશે? હા... હા... હું હણાઈ ગઈ.'
કૃતાંતવદનની વાત સાંભળતા જ શ્રી રામ મૂર્છિત થઈને, જમીન પર ઢળી પડ્યા. મહેલમાં હાહાકાર મચી ગયો. લક્ષ્મણજી દોડતા આવી પહોંચ્યા. તરત જ શીતલ ચંદનનું શ્રી રામના શરીરે લેપન કર્યું અને શીતલ પાણીનો છંટકાવ કર્યો. થોડા સમયે શ્રી રામની મૂર્છા દૂર થઈ અને તેઓ કરુણ સ્વરે રડી પડ્યા. ગદ્ગદ્ સ્વરે તેઓ બોલ્યા :
‘ક્યાં છે એ મહાસતી સીતા? કૃતાંતવદન તું એને ક્યાં ત્યજી આવ્યો? અહો, મેં દુષ્ટ લોકોનાં વચન સાંભળીને, એ મહાસતીનો ત્યાગ કરી દીધો, સદા માટે એને ત્યજી દીધી. મેં ઘણું અવિચારી કૃત્ય કર્યું. એ ભીષણ વનમાં
For Private And Personal Use Only