________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવ-કુશ અયોધ્યામાં
૮૪૯
સીતાજીનો ત્યાગ નહીં કરવા તેમને વીનવ્યા હતા. છતાં શ્રી રામ પોતાના નિર્ણયને વળગી રહ્યા હતા. લક્ષ્મણજીને એ પ્રસંગની સ્મૃતિ સાથે રોષ આવી ગયો, પરંતુ તરત જ બીજો પ્રસંગ સ્મૃતિપટ પર આવી ગયો. સીતાજીનો જંગલમાં ત્યાગ કરીને આવેલા કૃતાંતવદને જ્યારે સીતાજીનો સંદેશ શ્રી રામને કહી સંભળાવ્યો હતો ત્યારે શ્રી રામ મૂર્છિત થઈને ઢળી પડ્યા હતા અને કરુણ આક્રંદ કરતા સીતાજીને પાછાં લઈ આવવા જંગલમાં દોડી ગયા હતા. આ દૃશ્ય આંખ સામે આવતાં લક્ષ્મણજીનો રોષ દૂર થયો. તેમણે સુગ્રીવ સામે જોયું, હનુમાનજી સામે જોયું અને બોલ્યા :
‘હે કપીશ્વર અને હનુમાન, તમારું કથન સત્ય છે. જગવંદનીય દેવી સીતાજીને પુનઃ અયોધ્યામાં લઈ આવવાં જોઈએ કપીશ્વર. તમે તો સાક્ષી છો કે મેં આર્યપુત્રને સીતાજીનો ત્યાગ કરતા સમયે પણ નિષેધ કર્યો હતો, પરંતુ આર્યપુત્રે નિર્ણય ન બદલ્યો. આપણે સહુ હવે પુનઃ પ્રાર્થના કરીએ. મને એમ લાગે છે કે આર્યપુત્ર માની જશે.'
જો પિતાજી નહીં માને તો અમે પુંડરીકપુર પાછા ચાલ્યા જઈશું, એ વાત પણ આપ પિતાજીને જણાવી દેજો.' લવે લક્ષ્મણજીનો હાથ પકડી કહી દીધું. લક્ષ્મણજીએ લવના મસ્તકે હાથ ફેરવી કહ્યું :
‘વત્સ, આર્યપુત્રને હું અવશ્ય કહીશ. માતૃભક્ત પુત્રનું આ જ કર્તવ્ય હોય.’ લક્ષ્મણજીએ ભામંડલ સામે જોઈ કહ્યું :
‘આપણે આર્યપુત્રને ક્યારે મળીશું?’ ભામંડલે લક્ષ્મણજી સામે જોયું, તેમના મુખ પર રૂક્ષ સ્મિત ફરકી ગયું. તેમણે કહ્યું :
‘આર્યપુત્રને આપ કહો ત્યારે મળીએ, પણ મળવાનો કોઈ વિશેષ અર્થ છે? જ્યારે શ્રી ના૨દજીએ યુદ્ધભૂમિ પર પુત્રોનો પરિચય કરાવ્યો, સીતાજી જીવતાં છે ને પુંડરીકપુરમાં છે.' એમ કહ્યું હતું ત્યારે પણ, ‘સીતાને પુંડરીકપુરથી લઈ આવો અને પુત્રો સાથે જ અયોધ્યામાં તેમનો પ્રવેશ કરાવો,' એમ ન બોલ્યા. એ શ્રી રામ પાસે જવાનો હું કોઈ વિશેષ અર્થ જોતો નથી.’
ભામંડલની વાત સાંભળીને, સહુ વિચારમાં પડી ગયા. ભામંડલનું કથન સત્ય હતું. કુમારોના નગરપ્રવેશ-સમયે શ્રી રામે સીતાજીની સ્મૃતિ પણ કરી ન હતી. તેમણે સીતાજીનો કુશળ વૃત્તાંત પણ પૂછ્યો ન હતો. એટલે શ્રી રામ સીતાજીને અયોધ્યા લઈ આવવાની વાતમાં સંમત થાય કે નહીં, એ માટે ભામંડલની શંકા સહુને વાજબી લાગી.
For Private And Personal Use Only