________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૮
જૈન રામાયણ
દિવસ એ રાજકુમાર વજ્રકંઠની નજરમાં આવી ગઈ. વજ્રકંઠ વેગવતીને જોતાં જ કામાતુર બની ગયો. તેણે પોતાની પાસે ઊભેલા પ્રતિહારીને પૂછ્યું: ‘આ કન્યા કોની છે?’
‘મહારાજા, રાજપુરોહિત શ્રીભૂતિની આ કન્યા છે. એનું નામ વેગવતી છે.' પ્રતિહારીએ રાજ કુમારની આંખોને ઓળખવા પ્રયત્ન કર્યો અને મનમાં હસ્યો.
વજકંઠને આખી રાત નિદ્રા ન આવી. વેગવતીના વિચારોમાં એ વિહ્વળ બની ગયો. એની કલ્પનાસૃષ્ટિમાં વેગવતીની સૌન્દર્યમયી દેહયષ્ટિ જડાઈ ગઈ હતી, તેને મેળવવા અને ભોગવવા તે અધીર બની ગયો હતો. પોતાના પુરોહિતની જ કન્યા હતી એટલે એને મેળવવી સરળ હતી. બીજે દિવસે રાજકુમારે શ્રીભૂતિને પોતાના આવાસમાં બોલાવ્યો.
‘શ્રીભૂતિ! માગું તે આપીશ?’
‘મહારાજકુમાર! મારી પાસે આપને આપવા જેવું શું છે? જે છે તે આપનું જ આપેલું છે ને!'
શ્રીભૂતિએ સરળ હૃદયથી જવાબ આપ્યો. એને રાજકુમારના આશયની ગંધ પણ નહોતી આવી.
‘શ્રીભૂતિ, તું ખરેખર મારો પ્રીતિપાત્ર પુરોહિત છે. મને શ્રદ્ધા છે કે હું માગીશ તે તું મને આપશે જ. હું તારી પુત્રી વેગવતીને માગું છું! હું એને મારી રાણી બનાવવા ચાહું છું. કહે, તું આપીશને?'
શ્રીભૂતિ તો સ્તબ્ધ થઈ ગયો. એને કલ્પના પણ ન હતી કે રાજકુમાર વેગવતીની માગણી કરશે. એ મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું :
‘મહારાજ કુમાર, હું અત્યારે આનો જવાબ નહીં આપી શકું. મારે વેગવતીને અને એની માતાને પૂછવું પડશે.’
‘તું પૂછીને મને તરત જ જવાબ આપ. મારે બીજો જવાબ જોઈતો નથી. એ સમજજે કે તારે મને વેગવતી આપવી જ પડશે. જા, પૂછીને તરત જવાબ આપી જા.'
શ્રીભૂતિએ નમન, કમને નમન કર્યું અને મહેલની બહાર નીકળી ગયો. એના મનમાં રાજકુમાર પર ભયંકર રોષ ઊભરાયો, ચિંતા પણ થઈ. વ્યગ્ર ચિત્તે એ ઘેર પહોંચ્યો. પિતાને ઉદાસ જોઈ વેગવતીએ શ્રીભૂતિને પૂછ્યું :
‘પિતાજી, આજે કેમ ઉદાસ દેખાઓ છો?'
‘બેટી, જ્યાં રાજકુમારની દૃષ્ટિ બગડે ત્યાં બીજું શું થાય?'
For Private And Personal Use Only