________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૯૧૮
ગઈ. ‘શ્રીરામનું શું થશે? તેઓ શું કરી બેસશે?' બિભીષણ, શત્રુઘ્ન, સુગ્રીવ વગેરે રાજમાતા કૌશલ્યા પાસે ભેગા થયાં. કૌશલ્યા વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયાં હતાં. એક વખતની એ અયોધ્યાની મહારાણીએ એના જીવનમાં હૃદયને આંચકા આપે તેવા કેટલા પ્રસંગો જોયા હતા? શ્રી રામ, લક્ષ્મણ અને સીતા વનવાસમાં ગયાં. મહારાજા દશરથે ચારિત્ર લીધું, ત્યાર પછી ભરતે ચારિત્ર લીધું. સીતાજીનો શ્રી રામે જંગલમાં ત્યાગ કરાવી દીધો, સીતાજી સંસાર ત્યજીને સંયમમાર્ગે ચાલ્યાં ગયાં. લક્ષ્મણજીનું અકસ્માત મૃત્યુ ને લવ-કુશ ઘરવાસ ત્યજી અણગાર બની ગયા, અને શ્રી રામ ઉન્મત્ત જેવા અસ્વસ્થ બની ગયા.
કહેવાય એ રાજરાણી! રાજમાતા! પરંતુ સુખ કેટલું? શાન્તિ કેટલી? ચિત્તની પ્રસન્નતા કેટલી? દુનિયા એને સુખી સમજે! પુણ્યશાલિની માને! પરંતુ એના હૃદયની સ્થિતિ કેવી? એક પછી એક સ્વજનોના વિરહની વેદના સહી સહીને કૌશલ્યા જલ્દી વૃદ્ધા બની ગયાં હતાં.
બિભીષણ વગેરેએ આજે કૌશલ્યાના વૃદ્ધત્વને જોયું. તેમની આંખો સજળ બની ગઈ. થોડો સમય સહુ મૌન રહ્યા. હૃદયને કંઈક સ્વસ્થ બનાવીને બિભીષણ બોલ્યા.
‘માતાજી, શ્રી રામચંદ્રજીને સમજાવવા જોઈએ. એમની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જાય છે, લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે. આ વાત એમના ગળે ઉતારવી જ જોઈએ.’
કૌશલ્યાએ બિભીષણના વિષાદભર્યા મુખ સામે જોયું. શ્રી રામ પ્રત્યેનો અપાર સ્નેહ બિભીષણને દુઃખી કરી રહ્યો હતો. કૌશલ્યા ક્ષીણ સ્વરે બોલ્યાં :
‘વત્સ, તારી વાત સાચી છે. રામની વિકલતા મને ચિંતા કરાવે છે. એને કોણ સમજાવે? અસ્વસ્થ રામને સમજાવવો કઠિન છે છતાં તમે જ ભેગા થઈને સમજાવો. ભાગ્ય હોય તો સમજી જશે.’ કૌશલ્યાએ વસ્ત્રના આંચલથી આંખો લૂછી.
‘માતાજી, આપ ન સમજાવો?' સુગ્રીવ બોલ્યા.
‘હું? બેટા, મારા મુખમાંથી તો શબ્દો જ સુકાઈ ગયા છે. હું વત્સ રામ પાસે જાઉં છું, એને જોઉં છું. વત્સ લક્ષ્મણના મૃતદેહને જોઉં છું, મારું હૈયું ભાંગી પડે છે.’ કૌશલ્યાનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો.
બિભીષણે સુગ્રીવ અને શત્રુઘ્ન સામે જોયું. કંઈક વિચાર્યું ને બોલ્યા. ‘આપણે જ ભેગા મળીને શ્રીરામને પ્રાર્થના કરીએ. એમને સમજાવવા
For Private And Personal Use Only