________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ ત્યાગપંથે
૯૩૧
‘હું પણ તાતની સાથે ચારિત્ર લઈશ.' શત્રુઘ્ન લંકાપતિ સામે જોઈ બોલ્યા.’
‘હૈં? આપ પણ....'
‘હા, તાતપાદનાં ચરણોમાં ચારિત્રની આરાધના કરીશ. તાતપાદની આજ્ઞા મને મળી ગઈ છે.’
શત્રુઘ્ને હૃદયના ઉમળકાથી વાત કરી દીધી. બિભીષણે સુગ્રીવ સામે જોયું. સુગ્રીવની આંખોમાં વેદના હતી, વિચારો હતા. તેણે શ્રી રામ સામે જોયું, અંજલિ જોડી બોલ્યા :
‘હે કૃપાનાથ, હું આપના પવિત્ર સંકલ્પને વધાવું છું, પરંતુ મારું મન અસ્વસ્થ બની ગયું છે..'
‘શાથી?’
‘અયોધ્યાની પ્રજાનો વિચાર મારા મનને વિહ્વળ બનાવી દે છે. અલ્પ સમયમાં એ પ્રજાએ કેટલા આઘાત સહન કર્યા છે? અયોધ્યાના વિશાળ રાજ્યની પ્રજા આપને માત્ર રાજા તરીકે નથી ચાહતી, એમના હ્રદય તરીકે આપને ચાહે છે. લક્ષ્મણજી પ્રત્યે એમનો સ્નેહ કેવો હતો? એમનું મૃત્યુ થયું, લવ અને કુશે આત્મહિત સાધ્યું, આપ અને શત્રુઘ્ન ચારિત્રને માર્ગે જશો, એ પ્રજાનું કલ્પાંત,' સુગ્રીવની આંખો ભીની થઈ ગઈ. એનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો.
‘સુગ્રીવ, આ સંસારનો સ્વભાવ છે, સંયોગ અને વિયોગ! સંયોગમાં જે સુખ અનુભવે તે વિયોગમાં દુઃખી થાય જ. લક્ષ્મણના વિયોગમાં હું કેવો દુ:ખી થયો? સીતાના વિયોગમાં મેં કેવું કલ્પાંત કર્યું હતું? પ્રજા મારા નિર્ણયને હૃદયથી વધાવશે. એમને અનંગદેવ રાજા સુખ દેશે, પરંતુ ત્યાગપ્રધાન સંસ્કૃતિને વરેલી પ્રજા મળશે.’
સુગ્રીવે આંખનાં આંસુ લૂછ્યાં. શ્રી રામની ચંદનથી પણ શીતલ વાણી સાંભળીને એના હૃદયને શાંતિ થઈ. શ્રી રામનું અંતઃકરણ પુનઃ બોલી ઊઠ્યું :
‘સુગ્રીવ, જ્યારે અનંત કાળ તરફ જોઉં છું ત્યારે જ આ સંસારના પરિવર્તનના સ્વભાવને સમજી શકાય છે. કંઈજ સ્થિર નહિ, બધું જ પરિવર્તનશીલ! રૂપ અને રંગ, વૈભવ અને સંપત્તિ, ક્ષેત્ર અને કાળ, સુખ અને દુઃખ, બધું જ પરિવર્તનશીલ છે. રાજાઓ બદલાઈ જાય છે, પ્રજા બદલાઈ જાય છે, નગર બદલાઈ જાય છે અને જંગલો બદલાઈ જાય છે! આ વિશ્વ જ પરિવર્તનશીલ છે. કોના પર રાગ કરવો અને કોના પર દ્વેષ કરવો!'
For Private And Personal Use Only