________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯. શ્રીરામ-પ્રતિબોઘ
સંસાર!!
સંસાર અસાર છે. તે સાચું જ છે. એકની વિવશતાનો લાભ બીજ ઉઠાવે! એકની વિકલતાનો લાભ બીજો ઉઠાવે! શ્રી રામની વિવશતા અને વિકલતાનો લાભ ઉઠાવી લેવા રાક્ષસવંશના કેટલાક રાજાઓ સળવળી ઊઠ્યા. કેટલાક વિદ્યાધર રાજાઓ તેમની સાથે ભળી ગયા. “અત્યારે અયોધ્યા અનાથ જેવી છે! લક્ષ્મણનું મૃત્યુ થયું છે. લવ-કુશ ચારિત્રને માર્ગે છે અને શ્રી રામ ઉન્મત બની ગયા છે. આવી સ્થિતિમાં અયોધ્યા પર આક્રમણ કરી અયોધ્યાનું રાજ્ય પ્રાપ્ત કરી લેવું.”
અજાતશત્રુ બનેલા શ્રી રામના શત્રુઓ ફૂટી નીકળ્યા! સંસારમાં કોણ કાયમ માટે અજાતશત્રુ રહી શકે? જ્યાં સુધી મનુષ્ય બળવાન હોય ત્યાં સુધી શત્રુઓ શત્રુતા વ્યક્ત ન કરે એટલું જ! જ્યાં મનુષ્ય નિર્બળ બન્યો ત્યાં જ મિત્રતાનો દેખાવ કરનારાઓ શત્રુ બનીને સામે આવી જાય.
રાવણપુત્ર ઇન્દ્રજિતના પુત્રો અને સુંદરાક્ષસના પુત્રોએ શ્રીરામનો વધ કરવા અને અયોધ્યામાં રાજય મેળવવા સૈન્ય તૈયાર કર્યું. બીજા પણ વિદ્યાધર રાજાઓ ભેગા મળ્યા.
વિદ્યાધરોને અયોધ્યા પહોંચવામાં કેટલી વાર? જોતજોતામાં જ અયોધ્યા ઘેરાઈ ગઈ. કોઈ અયોધ્યાવાસીને કલ્પના ન હતી કે “આવા સમયે અયોધ્યા પર આક્રમણ થાય!” પરંતુ સંસાર નામ જ એવું કે જ્યાં કલ્પનાતીત બન્યા કરે.
અચાનક શત્રુસૈન્યનાં ધાડાં ઊતરી પડેલાં જોઈ, દ્વારક્ષકોએ અયોધ્યાના દરવાજા બંધ કરી દીધા અને કિલ્લા પર અયોધ્યાનું સૈન્ય ગોઠવાઈ ગયું.
નગરરક્ષકો દોડતા મહેલમાં આવ્યા. શત્રુઘ્ન નિત્યકર્મથી પરવારીને બેઠા હતા. બિભીષણ અને સુગ્રીવ પણ આવી પહોંચ્યા હતા. નગરરક્ષકોએ પ્રવેશ કરીને ત્રણેય રાજાઓને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું :
મહારાજા, આજે રાત્રિના છેલ્લા પ્રહરમાં શત્રુસૈન્ય ઊતરી પડ્યું છે અને અયોધ્યા ઘેરાઈ ગઈ છે. અમે નગરના દરવાજા બંધ કરી દીધા છે ને કિલ્લા પર સૈનિકો ગોઠવી દીધા છે. એ સમાચાર હજુ મેળવી શકાયા નથી કે શત્રુઓ કોણ છે?'
ત્રણેય રાજાઓ સ્તબ્ધ થઈ ગયા. શત્રુઘ્ન બોલી ઊઠ્યા :
For Private And Personal Use Only