________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનું નિર્વાણ
૯૦૩ નીકળી પડ્યાં. દરેક રાજાનો રાજપરિવાર રથોમાં અને અશ્વો પર આરૂઢ થઈ, હનુપુર આવવા લાગ્યો.
આચાર્ય ભગવંત ધર્મરત્નસૂરિજીને પણ હનુમાનજીએ સાડા સાતસો રાજાઓના સંસારત્યાગના સંકલ્પની જાણ કરી. આચાર્ય ભગવંતે અનુમતિ આપી અને વધુ સમય રોકવાનું પણ સ્વીકાર્યું.
થોડા જ દિવસોમાં સાડા-સાતસો રાજાઓના પરિવાર હનુપુરમાં આવી ગયા. દરેક રાજાએ પોતાના પરિવારને સંસારત્યાગનો નિર્ણય સમજાવ્યો. પરિણામ એ આવ્યું કે દરેક રાજાની રાણી પણ ચારિત્ર લેવા તત્પર થઈ ગઈ!
કેવા એ પરિવાર! કેવા એ પતિ-પત્નીના સંબંધ! ભોગમાં સાથે તેમ ત્યાગમાં પણ સાથે! કેવી એ ભોગોમાં અનાસક્તિ! કેવો એ ધન્ય કાળ અને કેવાં એ રાજા-રાણી! સાડા-સાતસો રાણી ચારિત્ર લેવા તત્પર બની ગઈ : “અમારા સ્વામીનાથ ત્યાગને પંથે જાય તો અમારે પણ ત્યાગને જ પંથે જવાનું. અમારે સંસારવાસ ન જોઈએ.’ પુરુષની સાથે સ્ત્રીની હોડ ત્યાગમાં, ભોગમાં નહીં! કેવો નિર્મળ સ્નેહ અને કેવું અદ્ભુત સમર્પણ! જીવન જીવવાનો સાચો આનંદ આવા સંબંધોમાં અને આવા આદર્શોમાં જ સમાયેલો છે.
સાડા-સાતસો રાજ્યમાં સમાચાર ફેલાઈ ગયા : “રાજાઓની સાથે રાણીઓ પણ સંસારત્યાગ કરી, ચારિત્રના મહાન પંથે ચાલવા તત્પર બની ગઈ છે!' રાજ્યોમાં આનંદઆનંદ છવાઈ ગયો. પ્રજાએ રાજા-રાણીઓને કરોડો અભિનંદન આપ્યાં. પરમાત્મા જિનેશ્વરદેવના શાસનની ભૂરિભૂરિ પ્રશંસા કરી.
દક્ષા મહોત્સવનાં ભવ્ય મંડાણ થઈ ગયાં. હનુપુરનગરને ઇન્દ્રપુરી બનાવી દેવામાં આવી. બાહ્ય ભૂમિભાગ પર સેંકડો નવાં નગર ઊભાં કરી દેવામાં આવ્યાં. વિદ્યાધરોએ બાર-બાર યોજનના વિસ્તારમાં ભવ્ય મહેલો ઊભા કરી દીધા. ત્યાગી રાજા-મહારાજાઓના સન્માન માટે પ્રજામાં અપૂર્વ ઉત્સાહ જાગ્યો. લાખો પ્રજાજનો રાજારાણીઓનાં દર્શન કરવા ઊમટી પડ્યા. તેઓ તેમનાં દર્શન કરીને ધન્ય બનવા લાગ્યાં.
દીક્ષાનો દિવસ આવી લાગ્યો. હનુપુરના ભવ્ય રાજમહેલથી દીક્ષાનો વરઘોડો ચઢ્યો, સાડા-સાતસો રથમાં રાજાઓ રાણીઓ સાથે આરૂઢ થયા. વિદ્યાધરોએ દિવ્ય વાજિંત્રોના સૂરોથી આકાશમંડળને ભરી દીધું. હસ્તીસેના, અશ્વસેના અને ભૂમિસેના વરઘોડામાં શામિલ થઈ. વિદ્યાધરો સેંકડો વિમાનોમાં બેસી આકાશમાર્ગે ચાલવા લાગ્યા.
For Private And Personal Use Only