________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિવ-કુશનું નિર્વાણ
૯૧૫ નથી, ત્યાજ્ય પર રાગ કરે છે ને ઉપાદેય તરફ દ્વેષ કરે છે. આપણે આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પાથરીએ.”
કુશ સાંભળી રહ્યો. આજે તેને લવની વાણી ખૂબ પ્રિય લાગી રહી હતી. લવ જાણે હૃદય ખોલીને બોલી રહ્યો હતો. તેનામાં જનમજનમની ત્યાગવૈરાગ્યની ભાવના જાગી ઊઠી હતી. સંસારનું કોઈ તત્ત્વ તે બે ભાઈઓને અવરોધક બની શકે એમ ન હતું. અલબત્ત, તેમને પણ રાણીઓ હતી. બધું ‘સ્વપ્નવત્' સમજી લીધું હતું. એ બધું બંધનરૂપ ન હતું, અવરોધરૂપ ન હતું.
ત્રીજી રાત વીતી ગઈ.
શ્રીરામ ખાતા નથી, પીતા નથી, સ્નાન નથી કરતા. લક્ષ્મણજીના મૃતદેહને છોડીને જરા પણ દૂર નથી જતા. કૌશલ્યા વગેરે રાજમાતાઓ ચિંતાતુર બની ગઈ, બિભીષણ વગેરે રાજા ચિંતામગ્ન થઈ ગયા. ‘શું કરશું? શ્રીરામને કેવી રીતે સમજાવવા?' એ એક કોયડો બની ગયો. કોઈને કંઈ સૂઝતું નથી.
બિભીષણ અને સુગ્રીવ અતિ વ્યગ્ર બન્યા હતા. એમના શિરે મોટી જવાબદારી હતી. શ્રીરામને તેઓ ખૂબ જ ચાહતા હતા. જન્મજન્માંતરના સંબંધો હતા ને! વળી એ બંનેને ધ્યાન છે કે લંકાના યુદ્ધમાં જ્યારે રાવણની ‘અમોઘવિજયાના આઘાતથી લક્ષ્મણજી બેભાન બની ઢળી પડ્યા હતા. તે રાતે શ્રીરામે કેવો કલ્પાંત કર્યો હતો! એ તો સારું થયું કે વિશલ્યા ત્યાં આવી પહોંચી અને લક્ષ્મણજીને નવજીવન મળી ગયું. નહીંતર શ્રીરામે તો લક્ષ્મણજીની સાથે બળી મરવાનું જ નક્કી કર્યું હતું. બિભીષણ અને સુગ્રીવને એ ચિંતા થઈ ગઈ કે શ્રીરામ કંઈ અઘટિત તો નહીં કરી બેસે ને? રાગથી વ્યાકુળ મનુષ્ય શું નથી કરી બેસતો?
સહુ રાજા-મહારાજાઓ શ્રીરામને વીંટળાઈ બેઠા હતા. શ્રીરામ લક્ષ્મણજીના મૃતદેહને લઈને બેઠા હતા. ત્યાં લવ અને કુશે પ્રવેશ કર્યો. શ્રીરામ પાસે આવીને, ચરણોમાં નમસ્કાર કરી સામે બેસી ગયા. લવે ખૂબ જ વિનમ્ર શબ્દોમાં કહ્યું :
હે તાતપાદ, અમે એક પ્રાર્થના કરવા આવ્યા છીએ. લઘુ તાતના આકસ્મિક મૃત્યુથી, અમારા હૃદય પર અતિ ઉગ્ર આઘાત થયો છે. અમે આ સંસારવાસથી અત્યંત ભયભીત બન્યા છીએ. મૃત્યુ અકસ્માત આવી પડે છે. માટે દરેક મનુષ્ય પરલોક માટે જ જાગ્રત બનીને જીવવું જોઈએ.' લવના બોલ્યા પછી કુશ બોલ્યો :
For Private And Personal Use Only