________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૨
જૈન રામાયણ વગેરે રાજાઓ શૂન્યમનસ્ક થઈને નીચી દૃષ્ટિએ બેઠા છે. શ્રીરામ લક્ષ્મણજીના દેહને વારંવાર આલિંગન આપતા એની સાથે વાતો કરે છે!
૦ ૦ ૦ એક મનુષ્યનો મોહ બીજા મનુષ્યને નિર્મોહી બનાવે છે! એક મનુષ્યનો રાગ બીજા મનુષ્યને વૈરાગી બનાવે છે! જોઈએ વિશ્વને, વિશ્વની ઘટનાઓને જોવાની જ્ઞાનદૃષ્ટિ! જોઈએ સંસારમાં બનતી ચિત્રવિચિત્ર ઘટનાઓને મૂલવવાની તત્ત્વદૃષ્ટિ!
શ્રીરામની મોહદશા લવ અને કુશને વિચાર કરતા કરી દે છે! શ્રીરામની રાગદશા એમના લાડકવાયાઓને વિરાગી બનાવે છે!
લક્ષ્મણજીનું મૃત્યુ અને શ્રીરામનો વ્યામોહ લવ-કુશના હૃદય પર ચોટ કરી ગયાં. બંને ભાઈઓ પોતાના મહેલમાં આવ્યા. બંનેના મુખ પર ઘેરો વિષાદ છવાયો હતો. રાજમહેલો, રાણીઓ કે વૈભવ... એમના મન પરથી ઊતરી ગયાં હતાં. સંસારનાં સુખોનું રજમાત્ર આકર્ષણ રહ્યું ન હતું. લવ કુશની સામે જુએ છે. કુશ વિચારોમાં ગરકાવ થઈ ગયો છે. લવ કુશના ખભા પર હાથ મૂકીને બોલ્યા :
કુશ, આ સંસારની કેવી કરુણતા છે? સાચે જ માતાજીએ સંસારનો ત્યાગ કર્યો ને ચારિત્રના માર્ગે ચાલ્યાં ગયાં, તે યોગ્ય જ કર્યું.. વ્યાધિ અને મૃત્યુને રોકી શકવા કોઈ સમર્થ નથી. તાત લક્ષ્મણજી ચાલ્યા ગયા, અકસ્માતે ચાલ્યા ગયા. કોઈ રોગ નહિ, કોઈ વ્યાધિ નહિ, ક્ષણ વારમાં પ્રાણપંખેરું ઊડી ગયું. મહેલો, અંતઃપુર અને રાજ્ય અહીં પડ્યાં રહ્યાં અને એનું સર્જન કરનાર ચાલ્યો ગયો. પિતાજી, અત્યંત સ્નેહાળ પિતાજીને પણ એ છોડી ગયા. એમના વિનાના મહેલો, એમના વિનાની અયોધ્યા, કેવી સૂની સૂની અને નીરસ ભાસે છે!' લવની આંખો આંસુભીની બની ગઈ. કુશ રડી પડ્યો.
કશ, રડ નહિ. રુદન કરવાથી હવે શું? ભગવાન મુનિસુવ્રત સંસારના સ્વરૂપને યથાર્થ બતાવેલું છે. જન્મ પછી મૃત્યુ હોય જ! જન્મેલા માટે મૃત્યુ સ્વાભાવિક છે. પણ આપણે રાગદશામાં આ તત્ત્વ સમજતા નથી. મૃત્યુ દુઃખી નથી કરતું, રાગ દુઃખી કરે છે. પિતાજી કેટલા વ્યાકુળ છે? કેટલા દુઃખી છે? કોણ દુઃખી કરે છે? રાગ!
કુશ! પિતાજીને આજે દુનિયા ભગવાન સમાન માને જ છે. એ પિતાજી પણ ભ્રાતૃવિરહનું ઘોર દુઃખ અનુભવી રહ્યા છે. કર્મોની કેવી ઘોર વિટંબણાં છે?'
For Private And Personal Use Only