________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૮૭૬
છે ને આ સંસાર? મહામુનિનો છે કોઈ ગુનો? મહામુનિએ વેગવતીને બોલાવી નથી, સતાવી નથી કે ડરાવી નથી. મહામુનિ અખંડ બ્રહ્મચારી અને મહાન આત્મસાધક છે, છતાંય વેગવતીએ પોતાના ઉન્માદમાં, બે ઘડી મોજ આવે તે માટે મુનિ પર કલંક ચઢાવ્યું! તેણે મુનિ ઉપર ઉપદ્રવ કરાવરાવ્યો, ધન-સત્તા અને યૌવનના ઉન્માદમાં એ ભાન ભૂલી ગઈ કે મારી આ ચેષ્ટાનાં ફળ મારે જ્યારે ભોગવવાં પડશે ત્યારે કેવાં દારુણ દુ:ખ આવશે?
આ જ જીવની અજ્ઞાનદશા છે ને! એ જે પ્રવૃત્તિ કરે છે, એના ફળનો વિચાર-એના વિપાકનો વિચાર-એ કરતો નથી. જ્ઞાનશૂન્ય જીવ આ રીતે કર્મો બાંધે છે ને ચોર્યાશી લાખ યોનિમાં ભટક્યા કરે છે. વેગવતીએ ભાન ભૂલીને મહામુનિને પજવવા માંડ્યા.
મહામુનિનું નામ હતું સુદર્શન. તેમણે દૃઢ પ્રતિજ્ઞા કરી :
‘જ્યાં સુધી હું નિષ્કલંક ઘોષિત નહીં થાઉં ત્યાં સુધી હું અહીંથી એક તસુ પણ હલીશ નહીં. ધ્યાન ચાલુ જ રાખીશ.’ દેવો પણ એ મહાપુરુષને ચરણે નમે છે કે જેનું મન ધર્મમાં રમતું હોય છે. મહામુનિ પર મનુષ્યોએ ઉપદ્રવ કર્યો. ક્ષેત્રદેવતાથી સહન ન થયું. ક્ષેત્રદેવે અવધિજ્ઞાનથી સર્વ વૃત્તાંત જાણી લીધો અને ‘આ સર્વ અનર્થનું મૂળ વેગવતી છે' એ જાણી વેગવતીને એણે શિક્ષા કરી. એનું ગોરું ને રૂપાળું મુખડું કોલસા જેવું કાળું બનાવી દીધું! ચામડીનો રંગ જ બદલાઈ ગયો! અચાનક જ! લોકો વેગવતીના બદલાયેલા મુખને જોઈને ગભરાઈ ગયા અને બોલી ઊઠ્યા :
‘વેગવતી, તારું મુખ એકદમ કાળું કેમ થઈ ગયું?’
‘હૈં? મારું મુખ કાળું? ના, ના,' વેગવતી ગભરાઈ ગઈ.
‘ખરેખર, સાવ કાળું, શું થયું?' લોકોએ કહ્યું. આ વાત વાયુવેગે નગરમાં ફેલાઈ ગઈ. વેગવતીના પિતા શ્રીભૂતિને ખબર પડી. એ દોડી આવ્યો. વેગવતીના કાળા મુખને જોઈ શ્રીભૂતિ કમકમી ઊઠ્યો.. લોકોએ સમગ્ર વૃત્તાંત શ્રીભૂતિને કહ્યો. ‘વેગવતીના કહેવાથી જ મહામુનિ પર ઉપદ્રવ થયો.' આ જાણીને શ્રીભૂતિ વેગવતી પર રોષથી ધમધમી ઊઠ્યો.
‘અરે દુષ્ટા, તેં આ શું કર્યું? આવા મહામુનિ પર સાવ ખોટું આળ ચઢાવ્યું? મહામુનિને કલંકિત કર્યા. તેં જરાય વિચાર ન કર્યો? જો તારા પાપનું ફળ તત્કાળ તને મળ્યું. તારું મુખ તો જો, કેવું કાજળ કાજળ જેવું શ્યામ થઈ ગયું છે?' શ્રીધર રોષથી બોલી ઊઠ્યો.
For Private And Personal Use Only