________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૦
જૈન રામાયણ તલવાર સાથે હતો. વસુદત્તના પ્રહારથી શ્રીકાન્ત ત્યાં જ મરાયો, પરંતુ મરતાં મરતાં તેણે વસુદત્ત પર પણ તલવારનો પ્રહાર કરી દીધો હતો. વસુદત્ત પણ તરફડતો ત્યાં જ મર્યો.
એક સ્ત્રીને ખાતર, વસુદત્ત શ્રીકાંત એકબીજાથી મરાયા! મનુષ્યજીવન આ રીતે હારી ગયા. મરીને જંગલમાં આ બંને હરણ થયા.
ગુણવતીની માતાને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તે બેબાકળી થઈ ગઈ. સાગરદત્તે રત્નપ્રભાને ખૂબ ઠપકો આપ્યો. ગુણવતી તો પોતાને માટે બનેલી આ ભયંકર ઘટનાથી ખૂબ વ્યાકુળ બની ગઈ. તેણે આપઘાત કર્યો. મરીને તે એ જ જંગલમાં હરણી થઈ! પેલા બે હરણોએ આ હરણીને જોઈ! બંને હરણ (મગ) હરણી માટે જંગલમાં લડવા લાગ્યાં. વાસના લઈને મર્યા હતા ને! ગુણવતીમાં બંનેની વાસના હતી. શ્રીકાંત તેને પોતાની પત્ની બનાવવાની વાસના લઈને મર્યો હતો. વસુદત્ત “ગુણવતી શ્રીકાંતની પત્ની ન બને-' એ વાસનામાં મર્યો હતો. એ વાસના પશુના ભાવમાં પણ જાગ્રત થઈ! હરણી બનેલી ગુણવતીને જોઈ બંને લડવા માંડ્યા, મર્યા અને ભવોમાં ભટકવા લાગ્યા.
ધનદત્ત! એ તો પાગલ જ બની ગયો. વસુદત્તના મૃત્યુથી અને ગુણવતીના આપઘાતથી તે અતિવ્યાકુળ બની ગયો હતો. તે ઘર, ગામ ત્યજી જંગલોમાં ભટકવા લાગ્યો. એક દિવસ તેને કંઈ જ ભોજન ન મળ્યું. ભૂખથી તે વ્યાકુળ બનેલો હતો. ભોજન શોધતો શોધતો તે રાત્રિના સમયે એક વન-ઉદ્યાનની પાસે પહોંચ્યો. ત્યાં તેણે કેટલાક સાધુપુરુષોને જોયા. તેને તો ખાવાની ઇચ્છા હતી. તેણે સાધુઓને કહ્યું :
“હે સાધુઓ, મને ભોજન આપો.”
“હે ભદ્ર, અમે જૈન સાધુ છીએ. આ તો રાત્રિ છે. દિવસે પણ અમે ભોજનનો સંગ્રહ રાખતા નથી તો રાતે અમારી પાસે ભોજન હોય જ ક્યાંથી? તારે પણ રાત્રે ભોજન ન કરવું જોઈએ. અરે, પાણી પણ રાત્રે ન પીવું જોઈએ. રાત્રે ભોજન-પાણીમાં અનેક જીવો પડે છે, તે જોઈ શકાતા નથી.” સાધુઓમાંથી એક સાધુએ વાત્સલ્યભર્યા શબ્દોમાં ધનદત્તને બોધ આપ્યો. “પણ મને તીવ્ર ભૂખ લાગી છે.”
“સાચી વાત છે. ભૂખ તેં અત્યાર સુધી સહન કરી છે, તો હવે રાત્રિનો શેષ ભાગ પણ સહન કરી લે. સંસારમાં જીવ દુઃખ કેટલાં સહે છે? માટે શાંતિથી
For Private And Personal Use Only