________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૭
જૈન રામાયણ
ઉદ્યાનમાં આવીને, શ્રી રામે લક્ષ્મણજી સહિત કેવળજ્ઞાની ભગવંતને ભાવપૂર્વક વંદના કરી. કેવળજ્ઞાનીની ઉપદેશગંગા વહેતી હતી. શ્રી રામ પરિવાર સાથે દેશના સાંભળવા બેસી ગયા.
ચારેબાજુ ત્યાગ અને વૈરાગ્યનું વાતાવરણ જામેલું હતું. શ્રી રામ, લક્ષ્મણજી અને સમગ્ર રાજપરિવારનાં હૃદય સીતાજીના સર્વત્યાગથી ગદ્ગદ્ બનેલાં હતાં. તેમનાં મન પણ અંતર્મુખ બનેલાં હતાં. તેઓ માનવજીવનનું મૂલ્યાંકન કરી રહ્યાં હતાં. સંસારનાં વૈયિક સુખોથી તેઓ અત્યારે વિમુખ જેવા બની ગયા હતા. સીતાજીના ત્યાગે સહુની ભોગવાસનાઓ પર સખત પ્રહાર કરી દીધો હતો.
મહામુનીશ્વરની દેશના સંસારની ચાર ગતિ, એનાં સુખ-દુઃખ અને એનાં કારણો બતાવી રહી હતી. સુખ અને દુઃખના સ્વાભાવિક ચક્રને બતાવી રહી હતી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, સંસારમાં સુખ કાયમી નહીં અને દુ:ખ કાયમી નહિ. કાયમી સુખ કેવળજ્ઞાનીએ મોક્ષમાં બતાવ્યું. એ મોક્ષ મેળવવા તેમણે ધર્મનો માર્ગ બતાવ્યો. કર્મના અનંત બંધનો તોડવા માટે અહિંસા, સંયમ અને તપનો પુરુષાર્થ બતાવ્યો. એ પુરુષાર્થ ‘ભવ્ય' આત્મા જ કરી શકે એ સિદ્ધાંત સમજાવ્યો, અભવ્ય આત્મા મોક્ષનો પુરુષાર્થ ન કરી શકે એ વાત સમજાવી.
દેશના પૂર્ણ થઈ. શ્રી રામે વિનયપૂર્વક કેવળજ્ઞાનીને પૂછ્યું :
‘હે પ્રભો! મારા પર કૃપા કરીને, મને બતાવો કે મારો આત્મા ‘ભવ્ય’ છે કે ‘અભવ્ય?’
‘તમે ‘ભવ્ય’ જ છો. એટલું નહિ, આ જ જીવનમાં કેવળજ્ઞાની બની, મોક્ષે જશો.’ કેવળજ્ઞાની ભગવંતે શ્રી રામના ભવિષ્યને સ્પષ્ટ કર્યું. સભામાં બેઠેલા સહુ મનોમન શ્રી રામને વંદી રહ્યા. શ્રી રામે પુનઃ પ્રશ્ન કર્યો.
‘ભગવંત, મોક્ષ તો ચારિત્રથી જ મળે. ચારિત્ર એટલે સર્વત્યાગ! હું સર્વત્યાગ કરી શકું એમ નથી. બધું જ ત્યજી શકું, પરંતુ લક્ષ્મણનો ત્યાગ કરી શકવા સમર્થ નથી.’
કેવળજ્ઞાની ભગવંતે કહ્યું :
‘હે રામચન્દ્ર! જન્મજન્માંતરમાં બાંધેલાં કર્મોના ઉદયથી સુખ-દુઃખ આવે છે, અને તે જીવને ભોગવવાં પડે છે. તમે ‘બલદેવ'નું પુણ્ય લઈને આવ્યા છો, એટલે ‘બલદેવ’ની સંપત્તિ તમારે ભોગવવી જ પડશે. અલબત, કેટલાંક કર્મ
For Private And Personal Use Only