________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલજ્ઞાનીની પાસે
૮૭૫
આર્યપુત્ર, આર્યપુત્ર આપ શું કરો છો? આ લોકો તો આપના સેવકો છે, આપના આજ્ઞાકારી વિનમ્ર સેવકો છે. આપ દેવી સીતા માટે પૂછો છો? જેવી રીતે આપે ન્યાયનિષ્ઠાથી, દોષના ભયથી, દેવી સીતાનો ત્યાગ કર્યો હતો તેવી રીતે આત્મનિષ્ઠાથી, ભવભ્રમણના ભયથી, દેવી સીતાએ સર્વનો ત્યાગ કરી દીધો. સર્વ સુખો, સમગ્ર સંસાર ત્યજી દીધો. આપની સમક્ષ જ દેવીએ કેશલુંચન કર્યું અને મહામુનીશ્વર જયભૂષણ પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર સ્વીકારી લીધું છે. સુગ્રીવ અને ભામંડલ ત્યાં જઈને આવ્યા. એ જયભૂષણ મુનીશ્વરને હમણાં જ કેવળજ્ઞાન પ્રગટયું છે. માટે એ કેવળજ્ઞાનનો મહોત્સવ આપે પણ કરવો જોઈએ અને ત્યાં જ એ મહાસતી મહાવ્રત ધારીને બેઠાં છે! જેવી રીતે નારીજગતને એમણે પવિત્ર સતીત્વનો માર્ગ બતાવ્યો તેવી રીતે હવે તેઓ મોક્ષમાર્ગને બતાવી રહ્યાં છે.'
શ્રી રામ એકીટસે લક્ષ્મણજી સામે જોઈ રહ્યા હતા. લક્ષ્મણજીની વાણી એમને જચી ગઈ. તેઓ સ્વસ્થ બન્યા. આવેશ, વિહ્વળતા, વ્યાકુળતા શમી ગયાં. લક્ષ્મણજીના શબ્દો એમના કાનમાં ગુંજતા હતા : ‘ભવના ભયથી દેવી સીતાએ સર્વત્યાગ કરી દીધો.’ તેઓ મનોમન વિચારી રહ્યા : ‘સીતાએ સર્વત્યાગ કર્યો.' મારો પણ ત્યાગ કર્યો. સાવ સ્વાભાવિક છે. મેં અપકીર્તિના ભયથી એનો ત્યાગ કરી દીધો હતો. હું જાણતો હતો કે એ મહાસતી છે, છતાં મેં તેનો ત્યાગ કર્યો હતો. વર્ષો વીતી ગયાં. તેના હૃદયમાં હવે મારા પ્રત્યે રાગ ક્યાંથી હોય? તેના જીવનમાં હું જ સર્વસ્વ હતો. તેણે સર્વસ્વનો ત્યાગ કરી દીધો. તેણે ઉચિત જ કર્યું. તે સ્વાભાવિક જ હતું.' તેમણે લક્ષ્મણજી સામે જોયું અને બોલ્યા .
‘સારું કર્યું, સીતાએ કેવળજ્ઞાની પાસે ચારિત્ર સ્વીકાર્યું તે..’
અમે ત્યાં જઈ આવ્યા, આર્યપુત્ર!' સુગ્રીવે કહ્યું.
‘કેટલે દૂર છે તેઓ?'
‘નજીક જ છે. થોડા સમય પૂર્વે જ એ મહામુનીશ્વરને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. દેવોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો છે. સીતાજીએ વિધિપૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું છે. અમે વંદન કરીને આવ્યા ’
‘તો હું પણ ત્યાં ચાલુ છું.' શ્રી રામ બોલ્યા.
શ્રી રામ સ્વસ્થ બન્યા તેથી પરિવારને ખૂબ આનંદ થયો. લક્ષ્મણજીએ કેવળજ્ઞાની ભગવંત પાસે જવાની તૈયારીઓ કરી દીધી.
શ્રી રામ રથારૂઢ થયા. લક્ષ્મણજી શ્રી રામ પાસે બેસી ગયા અને વિશાળ પરિવાર સાથે સહુ ઉદ્યાન તરફ ચાલ્યા.
For Private And Personal Use Only