________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૮૫૨
‘અમે સહુ આ વાત સાંભળવા આવ્યા નથી. એની એ લોકાપવાદની વાત જો કરવાની હોય તો અમે ચાલ્યા જઈએ. કુમારો લવ અને કુશ પણ મહાદેવી પાસે ચાલ્યા જશે, આજે પણ હું કહું છું કે જે કોઈ દેવી સીતા માટે અપવાદ બોલશે તેનો હું શિરચ્છેદ કરીશ. હવે હું સહન નહીં કરી શકું.'
‘લક્ષ્મણ, શું હું જાનકીને નથી ચાહતો? જાનકી વિનાનું મારું જીવન સ્મશાનવત્ બની ગયું છે, એ તારાથી અજાણ છે? જાનકીના વિરહની વ્યથા તો હું જ જાણું છું, પરંતુ હવે હું જાનકીને એ રીતે અયોધ્યામાં લાવવા ચાહું છું કે પ્રજાના એક પણ માણસને પાછળથી કંઈપણ બોલવાનું ન રહે. માટે વિશુદ્ધિની કસોટીમાંથી જાનકી પસાર થાય, પ્રજા કસોટી જુએ અને પછી તે અયોધ્યામાં પ્રવેશે. જે મન-વચન-કાયાની વિશુદ્ધ છે એવી જાનકીને કસોટીમાં ભય પામવાનું નથી.'
‘આપ કેવી કસોટી કરવા ચાહો છો?' લક્ષ્મણજીએ પૂછ્યું.
‘એ નિર્ણય પછી કરીશું.’
‘તો દેવી સીતાને અમે લઈ આવીએ?'
‘પહેલાં અયોધ્યાની બહાર વિશાળ મંચ બંધાવો. મંડપો બંધાવો, જેમાં હજારો પ્રજાજનો બેસી શકે, અનેક રાજાઓ બેસી શકે. હું ત્યાં જઈશ. પછી તમે જાનકીને લઈ આવો.'
‘પછી ત્યાં આપ મહાદેવીની દિવ્ય કસોટી કરશો?”
‘હા.'
જેવી આપની ઇચ્છા અને આજ્ઞા.’
શ્રી રામને પ્રણામ કરી લક્ષ્મણજી, બિભીષણ, સુગ્રીવ વગેરે લક્ષ્મણજીના આવાસે આવ્યા. હર્ષ અને વિષાદની મિશ્ર લાગણીઓ અનુભવતા રાજાઓ ભવિષ્યની કલ્પનામાં ડૂબી ગયા હતા. લક્ષ્મણજી મહેલમાં આવતાં જ લવ-કુશે પૂછ્યું:
પિતાજી સંમત થઈ ગયા ને?’
‘સંમત થયા પરંતુ તેઓ મહાદેવીના સતીત્વની કસોટી કરી પ્રજા સમક્ષ નિષ્કલંક સિદ્ધ કરીને, પછી નગર પ્રવેશ કરાવશે!'
‘ભલેને કસોટી કરે! અમારી માતા અકલંક છે,' નિર્દોષભાવે લવ-કુશ બોલ્યા. લક્ષ્મણજીએ બંને કુમારોને ઉત્સંગમાં લઈ, મસ્તકે સ્નેહાલિંગન આપ્યું. કપીશ્વર સુગ્રીવે પ્રવેશ કર્યો, લક્ષ્મણજીને પ્રણામ કરી નિવેદન કર્યું : મેં મંત્રીવર્ગને સૂચના આપી દીધી છે. નગરની બહાર વિશાળ મંડપ
For Private And Personal Use Only