________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ૧૦૭. અંડળ-પરીક્ષા ,
શ્રી લક્ષ્મણજીના મહેલે બિભીષણ, સુગ્રીવ, હનુમાન, ભામંડલ, અંગદ આદિ રાજાઓ જઈ પહોંચ્યા. લક્ષ્મણજીએ સહુનું સ્વાગત કર્યું. ત્યાંથી સહુ સાથે શ્રી રામના મહેલે પહોંચ્યા. - શ્રી રામને પ્રણામ કરી, સહુ ઉચિત આસને બેઠા. કુશલપૃચ્છાનો ઔપચારિક વિધિ પતી ગયા પછી લક્ષ્મણજીએ સ્વસ્થતાથી શ્રી રામને કહ્યું :
આર્યપુત્રને અમારા સહુની એક પ્રાર્થના છે કે મહાદેવી સીતાજી પુંડરીકપુરમાં રહેલાં છે. આપના વિરહથી વ્યાકુળ અને લવ-કુશ વિના સંતપ્ત મહાદેવીને શીધ્ર અહીં લાવવાં જોઈએ. અન્યથા મહાદેવીનું જીવન ભયમાં છે. પતિ અને પુત્ર વિના તેઓ જીવી નહીં શકે. માટે જો આપ આજ્ઞા આપો તો અમે આજે જ તેમને અહીં લઈ આવીએ.”
લક્ષ્મણજીએ જે કહેવાનું હતું તે સ્પષ્ટતાથી અને સ્વસ્થતાથી કહી દીધું. ત્યારબાદ સુગ્રીવ ઊભા થયા અને શ્રી રામને નમન કરી બોલ્યા :
હે મહાપુરુષ, મહાદેવીને બહુમાનપૂર્વક અયોધ્યા લઈ આવવાં જોઈએ. આપના વિરહથી તેઓ સંતપ્ત છે, વળી હવે પ્રજામાં પણ તેઓ માટે પ્રવાદ બોલાતો નથી. તેઓશ્રી પરમ વિશુદ્ધ મહાસતી છે, એ વાત નિઃશંક છે.'
દેવોએ પણ મહાદેવીની મહાસતી તરીકે ઉદ્ઘોષણા કરી હતી. હનુમાનજી બોલી ઊઠ્યા.
મહારાજા, લવણ અને અંકુશ પણ હવે આપની પાસે આવ્યા છે કે જે બે કુમારોના સહારે મહાદેવી કંઈક શાતા અનુભવતાં હતાં, સુગ્રીવ બોલ્યા.
શ્રી રામના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. દૃષ્ટિ જમીન પર મંડાયેલી હતી. લક્ષ્મણજી, સુગ્રીવ વગેરેની વાત તેઓ સાંભળતા હતા, વિચારતા હતા. તેઓએ સુગ્રીવની સામે જોયું અને ખૂબ દૃઢતાસૂચક સ્વરે બોલ્યા.
કપીશ્વર, જાનકીને કેવી રીતે અયોધ્યા લાવી શકાય?' શ્રી રામ ક્ષણભર મૌન રહ્યા. સહુના જીવ અધ્ધર થઈ ગયા. શ્રી રામ આગળ વધ્યા : જાનકી ઉપર પ્રજાએ મૂકેલું કલંક ક્યાં દૂર થયું છે? હા, કલંક સાચું નથી, અસત્ય છે. પરંતુ અસત્ય એવો પણ લોકાપવાદ અંતરાય છે. ભારે અંતરાય છે. હું માનું છું કે જાનકી સતી છે; એનું ચારિત્ર નિષ્કલંક છે, એ જાણે છે કે તે નિર્મળ છે.' - શ્રી રામ પુનઃ વિચારમાં પડી ગયા. લક્ષ્મણજી અસ્વસ્થ બની ગયા. સુગ્રીવ વગેરે ચિંતામગ્ન થઈ ગયા. લક્ષ્મણજીએ કહ્યું :
For Private And Personal Use Only