________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાના માર્ગે
૮૩૭. સીતે, શ્રી રામે ઉતાવળમાં એક અકાર્ય તો કર્યું. હવે પુત્રવધૂનું બીજું અકાર્ય ન કરી બેસે તે માટે તું ઊભી થા, જરાય વિલંબ કર્યા વિના આપણે યુદ્ધ છાવણીમાં જઈએ.”
નારદજી બોલ્યા : “ભામંડલનું કથન યથાર્થ છે. તમારે બંનેએ અત્યારે જવું ઉચિત છે. તમે જાઓ, હું અવસરે ત્યાં આવી પહોંચીશ. નારદજી ત્યાંથી રવાના થયા. સીતાજી તૈયાર થયાં. પુત્રવધૂઓને આવશ્યક સૂચનાઓ આપીને, સીતાજી ભામંડલના વિમાનમાં આરૂઢ થયાં. ભામંડલે વિમાનને આકાશમાં
ઊંચે ચઢાવ્યું.
અયોધ્યાના બહિર્ભાગમાં લવ અને કુશનાં વિશાળ સૈન્યની છાવણી પડી હતી. લાખો સુભટો, લાખો હાથી, ઘોડા અને રથો સાથે છાવણી એક વિશાળ નગર જેવી લાગતી હતી. ભામંડલે વિમાનને લવ-કુશની છાવણીમાં જ ઉતાર્યું. અચાનક આકાશમાંથી વિમાનને ઊતરતું જોતાં જ સૈનિકો સતર્ક બની ગયા. શસ્ત્રસજ્જ બનીને દોડી આવ્યા. જેવું વિમાન ભૂમિ પર ઊતર્યું, તેવું સૈનિકોએ તેને ઘેરી લીધું. લવ અને કુશને વૃત્તાંત મળતાં બંને દોડી આવ્યા. જ્યાં તેમણે વિમાનમાં સીતાજીને જોયાં. તરત જ શસ્ત્ર ત્યજી દઈ, ચરણે નમસ્કાર કર્યા. સીતાજીએ ત્યાં જ ભામંડલનો પરિચય આપ્યો :
વત્સો, આ તમારા મામા છે' કુમારોએ ભામંડલના ચરણે પ્રણામ કર્યા. સૈનિકોએ પણ લવ-કુશનું અનુકરણ કર્યું.
સીતાજી અને ભામંડલને લઈ, લવ-કુશ પોતાના નિવાસસ્થાને આવ્યા. નિવાસમાં પ્રવેશતાં જ ભામંડલે લવ-કુશને પોતાના બાહુપાશમાં જકડી લીધા અને વારંવાર બંને ભાણેજના મસ્તકે આલિંગન આપી, વાત્સલ્ય વરસાવ્યું. સ્નેહભીના, વાત્સલ્ય નીતરતા શબ્દોમાં ભામંડલે સીતાજીને કહ્યું :
સીતે, તું સાચે જ પર્યાશાલિની છે. પૂર્વે તું વીરપત્ની તો હતી જ, આજે તું વીરમાતા છે અને મારી તું ભગિની છે!' ત્યાર પછી લવ-કુશ સામે જોઈ, ભામંડલ બોલ્યા :
“હે પ્રિય કુમારો! તમને જોઈને હું અતિ હર્ષાન્વિત થયો છું. તમે વિર પુત્રો છો અને વીર છો, પરંતુ તમે શ્રી રામ અને લક્ષ્મણજીની સામે યુદ્ધ ન ચડો. તમે જાણતા નથી, એ બે પરમ પરાક્રમીઓની શક્તિ હું જાણું છું. મેં તો રાવણ સાથેના યુદ્ધમાં એમની રણચાતુરી ને વિરતા પ્રત્યક્ષ જોયાં છે. રાવણ જેવો રાવણ માર્યો ગયો. તમે ઉતાવળમાં જ યુદ્ધનો નિર્ણય કર્યો લાગે છે.
For Private And Personal Use Only